android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
બારડોલીમાં કલાત્મક શ્રીજીની મૂર્તિઓના ભાવ આસમાને : 1પથી 50 હજારનો ભાવ

calendar_todaySeptember 7, 2026

બારડોલીમાં કલાત્મક શ્રીજીની મૂર્તિઓના ભાવ આસમાને : 1પથી 50 હજારનો ભાવ

બારડોલીમાં કલાત્મક ગણેશજીની મૂર્તિઓનું વેચાણ ચાલી રહ્યું છે, પરંતુ આ વર્ષે મૂર્તિના ભાવ આસમાને પહોંચતા ખરીદનાર ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. નગરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ સ્થાપન સાથે 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશોત્સોવની તાડામાર તૈયારીઓ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી તેમજ વિવિધ કથાવસ્તુ દર્શાવતી ગણપતિજીની મૂર્તિનું બજાર મોટા પ્રમાણમાં ખડકાવવા પામ્યું છે. કિંમતોમાં અનેક ઘણો વધારો થવાથી ગણેશભક્તોમાં નારાજગી ઊભી થઈ છે. પ ફૂટથી લઈને 7-8 ફૂટની મૂર્તિના ભાવો 1પ હજારથી લઈ 50 હજાર સુધીના બોલાતા આ વખતે ગણેશભક્તો મૂર્તિ ખરીદવામા લૂંટાય રહ્યા હોવાનો અહેસાસ છે. નાની મૂર્તિના ભાવ પણ 8 થી 10 હજાર થઈ ગયા છે. મંગલમૂર્તિ પણ 800થી 1000 રૂપિયા વચ્ચે વેચાય રહી છે.

14 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણપતિ સ્થાપન સાથે ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે. બારડોલીનાં બજારોમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ પરપ્રાંતીય લોકો દ્વારા હજ્જારોની સંખ્યામાં ગણપતિજીની મૂર્તિ વેચાણ માટે આવી છે. માટી ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ વેચનારા આ વર્ષે ઓછા આવતા તેની સીધી અસર ગણપતિ બજારના વેચાણ પર જોવા મળી રહી છે. માંગ્યા પ્રમાણેનું મૂર્તિનું પ્રમાણ બારડોલીના બજારોમાં આ વખતે અત્યાર સુધી રહ્યું નથી, જેને લઈને જેટલી પણ મૂર્તિ વેચાણ માટે આવી છે, તેના ગયા વર્ષ કરતાં ડબલ ભાવો થઈ ગયા છે.

હાલમાં પ ફૂટથી લઈ 8 ફૂટના ભાવ 15 હજારથી લઈ 50 હજાર બોલાય રહ્યા છે. આ વર્ષે પણ રંગબેરંગી કલાત્મક ગણપતિજીની મૂર્તિઓ વિવિધ સ્વરૂપો સાથે બનાવેલી નજરે પડી રહી છે. સાથે જ કેટલીક ગણપતિજીની મૂર્તિ વિવિધ કથાવસ્તુ સાથે જોડીને બનાવેલી નજરે પડી હતી. બારડોલી નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપરાંત બાજુના વાલોડ, મહુવા, અંબિકા, પલસાણા, કામરેજ, માંડવી, તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ગણપતિજીની મૂર્તિ મોટા પ્રમાણમાં ખરીદવા બારડોલી જ આવતાં હોવાથી મૂર્તિ વેચનારાઓએ ભાવો ડબલ કરી દેતા આ વર્ષે ગણેશભક્તો લૂંટાય રહ્યા છે. બારડોલી પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા અને સોસાયટીના યુવા વર્ગ દ્વારા જાતજાતના ડેકોરેશન ધાર્મિક કથા-વસ્તુઓ દર્શાવતાં પ્રદર્શનોની ગોઠવણ સાથે આકર્ષક લાઈટ ડેકોરેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી જોવા મળી રહી છે. બારડોલી શહેર ઉપરાંત તાલુકાના ગામડાઓ મળી નાની-મોટી 400થી વધુ ગણેશમૂર્તિનું સ્થાપન થાય છે. આ વર્ષે તેમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો