calendar_todayJanuary 20, 2026
22 ફૂટ ઊંચી દીવાલ કૂદીને 50 હજારનો નામી આરોપી પ્રેમિકાને મળવા ભાગ્યો તો ખરો પછી આવી ટ્વિસ્ટ, વાંચો Full Story
ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકીને ફરાર થયેલા 50 હજારના ઇનામી કેદી શિવા ઉર્ફે ડિમ્પીનો આખરે અંત આવ્યો છે. 14 દિવસ સુધી પોલીસને ચકમો આપનાર આ કેદીને કન્નૌજ પોલીસ અને એસઓજી (SOG) ની ટીમે એક ભીષણ એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો છે.
જેલમાંથી ભાગવાની ફિલ્મી સાજિશ
દુષ્કર્મના ગંભીર આરોપમાં જેલમાં બંધ શિવાએ 4 જાન્યુઆરીની રાત્રે એક અન્ય સાથી કેદી સાથે મળીને જેલમાંથી ભાગવાનું પ્લાનિંગ કર્યું હતું. નવા વર્ષની ઉજવણીમાં જેલ પ્રશાસન વ્યસ્ત હતું ત્યારે આ બંનેએ જેલના કાંબળાને ફાડીને તેની મજબૂત દોરી બનાવી હતી. આ દોરીની મદદથી તેઓ જેલની ૨૨ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંધારામાં ગાયબ થઈ ગયા હતા. આ ઘટના બાદ જેલ પ્રશાસનમાં ફફડાટ મચી ગયો હતો અને શિવા પર 50 હજારનું ઇનામ જાહેર કરાયું હતું.
પ્રેમિકાને મળવાની જિદ્દ પડી ભારે
જેલમાંથી ભાગીને શિવા નોઇડા પહોંચી ગયો હતો. ત્યાં તેણે મિત્રના દસ્તાવેજો પર નવો ફોન અને સીમકાર્ડ ખરીદ્યું હતું. પોલીસ સતત તેની પ્રેમિકાના મોબાઇલને સર્વેલન્સ પર રાખીને તપાસ કરી રહી હતી. શિવાએ પોતાની પ્રેમિકા સાથે વાત કરવાની ભૂલ કરી અને તે પોલીસની જાળમાં ફસાઈ ગયો. 12 જાન્યુઆરીથી તેણે પ્રેમિકાને અનેક ફોન કર્યા હતા, જેના લોકેશન પરથી પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી.
એન્કાઉન્ટર અને ધરપકડ
ગઈકાલે જ્યારે શિવા તેની પ્રેમિકાને મળવા તાલગ્રામ જઈ રહ્યો હતો, ત્યારે ગુરસહાયગંજ વિસ્તારમાં મુરાદગંજ ક્રોસિંગ પાસે પોલીસે તેને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈ શિવાએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા જવાબમાં પોલીસે ચલાવેલી ગોળી શિવાના પગમાં વાગી હતી, જેનાથી તે ઘાયલ થયો હતો. હાલ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.એસપી વિનોદ કુમારે જણાવ્યું હતું કે, આ એક મોટી સફળતા છે અને હવે પોલીસ શિવાના બીજા ફરાર સાથીની શોધમાં છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગમે તેવો શાતિર ગુનેગાર હોય, તે કોઈને કોઈ ભૂલ ચોક્કસ કરે છે.