calendar_todayFebruary 24, 2026
ઝાલાવાડમાં દારૂના 4 દરોડા : વિદેશી દારૂ સહિત રૂ.17.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા-પીપળી રોડ, ચુડાના કુડલા રોડ, ચોટીલાના કુંઢડા અને સાયલાના ખીંટલામાં પોલીસે દારૂની બાતમીને આધારે દરોડા કર્યા હતા. જેમાં કાર, મોબાઈલ, દારૂ-બીયર સહિત રૂપીયા 17,48,570ની મત્તા જપ્ત કરાઈ છે.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ, સંજયભાઈ સહીતની ટીમને બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન બજાણાથી પીપળી તરફ વિદેશી દારૂ ભરેલ પીકઅપ જનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ પીકઅપ આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે પીપળીના રસ્તે કાર ભગાવી હતી. આથી પોલીસે પીછો કરતા થોડે દુર ઝાડ નીચે પીકઅપ મુકીને ચાલક નાસી ગયો હતો. જયારે પીકઅપમાં તપાસ કરાતા વિદેશી દારૂની 1500 બોટલ અને બીયરના 696 ટીન મળી આવ્યા હતા. આથી દારૂ, બીયર અને પીકઅપ સહિત રૂપીયા 17,09,120નો મુદ્દામાલ કબજે કરી પીકઅપના ફરાર થનાર ચાલક અને માલીક સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ એચ.એચ.ગોહીલ ચલાવી રહ્યા છે. જયારે ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન ચુડાના કુડલા રોડ પર એક બાઈક ચાલક તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની બોટલ એક શખ્સને આપતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી પોલીસ ત્યાં પહોંચતા બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે દારૂની બોટલ સાથે ઝડપાયેલ શખ્સ મુળ દાહોદનો અને હાલ કોરડાના માર્ગે આવેલ સોલાર પ્લાન્ટમાં રહેતો અશોક રાજુભાઈ પટેલ હતો. આ શખ્સની તપાસ કરાતા દારૂ આપનાર બાઈક ચાલક અજય દીલીપભાઈ ગોહીલ હતો અને તેને દારૂની બોટલના રૂપીયા 1200ની સામે 600 રૂપીયા રોકડા તથા 600 તેના કહેવાથી તેના ભાઈ વિજય ગોહીલના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આથી પોલીસે અજયના ઘરે તપાસ કરતા ત્યાંથી દારૂની 11 બોટલ અને બીયરના 16 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ, બીયર, મોબાઈલ સહિત રૂપીયા 24,600ની મત્તા સાથે અશોક પટેલની ધરપકડ કરી અજય ગોહીલ, દીલીપ ગોહીલ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.બી.વાળા ચલાવી રહ્યા છે. બીજી તરફ ચોટીલા પીએસઆઈ બી.એન.ગળચર સહિતની ટીમને કુંઢડા ગામે રહેતો વિજય ગોવાભાઈ ધોરાળીયા તેના કબજાના વાડામાં વિદેશી દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વિજય ધોરાળીયા વિદેશી દારૂના 50 ચપલા કિંમત રૂપીયા 13,750 સાથે પકડાયો હતો. આ ઉપરાંત સાયલા તાલુકાના ખીંટલા ગામના પાદરમાંથી 20 વર્ષીય રસીક જીલાભાઈ ઝાંપડીયા વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 1100 સાથે પકડાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam