calendar_todaySeptember 12, 2026
5G નેટવર્ક ન આવતા ગ્રામજનો રોષે ભરાયા, સમસ્યા સુધારવા આવેલા ટેકનિશિયનને ટાવર સાથે બાંધી દીધો
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં ખરાબ નેટવર્ક સેવાને કારણે રોષે ભરાયેલા ગ્રામણોએ એક ટેલિકોમ ટેકનિશિયનને મોબાઈલ ટાવર સાથે બાંધી દેવાની ઘટના સામે આવી છે. આ મામલાની માહિતી મળતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છ લોકોની ધરપકડ કરી લીધી છે. ભોગ બનનાર ટેકનિશિયનની ઓળખ આદિત્ય ભાન સિંહ તરીકે થઈ છે. તે ગુરુવારે બિંદકી વિસ્તારના હરદોલી ગામમાં મોબાઈલ નેટવર્ક સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે ગયો હતો.
શું હતો સમગ્ર મામલો?
આ દરમિયાન 5G નેટવર્કમાં સતત આવી રહેલી સમસ્યાઓથી ગુસ્સે ભરાયેલા કેટલાક સ્થાનિક રહેવાસીઓએ તેને બળજબરીથી રોકી લીધો હતો, અને ટાવર સાથે બાંધી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ગ્રામીણ એવું કહેતો સાંભળવા મળે છે કે, જ્યાં સુધી કંપનીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે, ત્યાં સુધી ટેકનિશિયનને છોડવામાં આવશે નહીં. ગ્રામવાસીઓનું કહેવું હતું કે, વિસ્તારમાં ટાવર હોવા છતાં છેલ્લા બે વર્ષથી 5G નેટવર્કની સ્થિતિ અત્યંત ખરાબ ચાલી રહી છે.
રિચાર્જ કરાવા છતાં સેવા ઉપલબ્ધ નથી
આ મામલે માહિતી આપતા ફતેહપુરના પોલીસ અધિક્ષક અભિમન્યુ માંગલિકે જણાવ્યું કે, ગ્રામવાસીઓનું કહેવું છે કે તેઓ 5G સેવાઓ માટે પૂરેપૂરું રિચાર્જ કરાવી રહ્યા છે, છતાં પણ તેમને કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. વીજળી હોવા છતાં કૉલ અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ રહેતી નથી, જેના કારણે તેમના રોજિંદા કામો પ્રભાવિત થઈ રહ્યા છે.
પોલીસે છ લોકોની ધરપકડ કરી
આ સમગ્ર ઘટના બાદ પીડિત ટેકનિશિયનની ફરિયાદ પર શુક્રવારે પોલીસે અજ્ઞાત લોકો સામે FIR દાખલ કરી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને છ લોકોની ધરપકડ કરી હતી, જેમની ઓળખ રાહુલ પટેલ, સૂરજ યાદવ, આલોક પટેલ, યોગેન્દ્ર પટેલ, આલોક યાદવ અને સચિન પટેલ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ જામીન આપવામાં આવ્યા છે અને આ કેસમાં આગળની કાનૂની તપાસ ચાલી રહી છે.