calendar_todayFebruary 19, 2026
શિક્ષણ માટે બજેટમાં ઐતિહાસિક 63,000 કરોડની જોગવાઈ, જાણો કેમ ખાસ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શિક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી રૂપિયા 63 હજાર કરોડની જોગવાઈ કરી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ આ બજેટને 'સર્વસમાવેશી' ગણાવતા જણાવ્યું હતું કે, આ બજેટ વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું સાબિત થશે. બજેટમાં 'કચ્છડો બારેમાસ' ની પંક્તિને સાર્થક કરવા કચ્છ જિલ્લા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
કચ્છના વિકાસ પર વિશેષ ભાર
- નર્મદા કેનાલ: કચ્છમાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂપિયા 230 કરોડની ફાળવણી
- પર્યાવરણ: કચ્છના બન્ની ઘાસિયા મેદાનના પુનઃસ્થાપન અને ગાંડા બાવળ દૂર કરી વાંસના વાવેતર માટે રૂપિયા 97 કરોડની જોગવાઈ
- આરોગ્ય: કચ્છ સહિતના જિલ્લાઓમાં 10 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે રૂપિયા 28 કરોડ
- દૂધ ઉત્પાદન: કચ્છ અને સૌરાષ્ટ્રના દૂધ સંઘોને માળખાકીય સુવિધાઓ માટે વિશેષ સહાય
યુવાનો અને શિક્ષણ માટે મહત્વની જોગવાઈઓ
મંત્રીએ ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ માટે નીચે મુજબના આંકડા રજૂ કર્યા હતા.
- MYSY યોજના: 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 400 કરોડ.
- નવી કોલેજો: 16 નવી સરકારી કોલેજો અને 20 કોલેજોના ભવન નિર્માણ માટે રૂપિયા 126 કરોડ
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હોસ્ટેલ અને રિસર્ચ પાર્ક માટે રૂપિયા 102 કરોડ.
- રોજગારી: 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ પ્રોત્સાહન માટે રૂપિયા 43 કરોડ.
- મેન્ટલ હેલ્થ: રાજ્યના 19.84 લાખ વિદ્યાર્થીઓ માટે 'યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ' શરૂ કરાશે.
સમગ્ર રાજ્યના સંતુલિત વિકાસ માટે 6 ઇકોનોમિક ક્ષેત્રો માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રૂ. 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી રોજગારી અને મૂડી રોકાણમાં મોટો ફાયદો થશે.
આ પણ વાંચો - સિકલ સેલ-થેલેસેમિયા સામે હવે 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' અસરકારક