android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: બહેરામપુરામાંથી ઝડપાયું રૂ.1.57 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ

calendar_todayApril 12, 2026

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: બહેરામપુરામાંથી ઝડપાયું રૂ.1.57 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ

અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા સંતોષનગર ચાર માળી પાસેના ખુલ્લા મેદાનમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓચિંતી રેડ કરી હતી, જ્યાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ એક્શનમાં આવી હતી.

મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓ જેલભેગા

પોલીસે સ્થળ પરથી 52.410 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.1,57,230 (રૂ. 1.57 લાખ) જેટલી થાય છે. આ ગુનામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે, જેમના નામ હસમુખ જેસીંગભાઈ સરગરા અને મનિષ રમણલાલ સરગરા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.

લાખોનો મુદ્દામાલ જપ્ત અને વધુ તપાસ તેજ

ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને વાહન સહિત કુલ રૂ.1.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવવામાં આવ્યું હતું કે બીજેથી? અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનું હતું? તે દિશામાં પોલીસે પૂછપરછ તેજ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓ અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો