android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા

calendar_todaySeptember 9, 2026

Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા

અમદાવાદ શહેરમાં ઋતુ બદલાતાં જ લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા એક સપ્તાહના આંકડા અત્યંત ચિંતાજનક છે. એક જ સપ્તાહમાં હોસ્પિટલમાં કુલ 13,069 દર્દીઓએ સારવાર માટે OPD માં નોંધણી કરાવી છે, જ્યારે ગંભીર લક્ષણો ધરાવતા 1,571 દર્દીઓને હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં બદલાતા હવામાને વધાર્યો રોગચાળો

હોસ્પિટલના આંકડા મુજબ, મચ્છરજન્ય રોગોમાં સૌથી વધુ ડેન્ગ્યુના130 કેસ નોંધાયા છે. આ સિવાય મેલેરિયાના 24 કેસ સામે આવ્યા છે. તંત્ર માટે વધુ એક ચિંતાનો વિષય એ છે કે આ ચોમાસા/બદલાતી ઋતુમાં સ્વાઈન ફ્લૂના પણ 10 કેસ કન્ફર્મ થતાં આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. માત્ર મચ્છરજન્ય રોગો જ નહીં, પરંતુ દૂષિત પાણી અને ખોરાકના કારણે ઝાડા-ઉલટી તેમજ ઋતુજન્ય તાવના દર્દીઓથી સોલા સિવિલની OPD ઉભરાઈ રહી છે.

સ્વાઈન ફ્લૂના પણ 10 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર એલર્ટ

સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસે જણાવ્યું હતું કે, વર્તમાન વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોવાથી ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ.આ ઉપરાંત, પાણીજન્ય રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું, ખુલ્લો ખોરાક ન ખાવો અને તાવ કે ઝાડા-ઉલટી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ સરકારી હોસ્પિટલ કે નજીકના આરોગ્ય કેન્દ્ર પર તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર