calendar_todayMarch 27, 2026
Ahmedabad : 130 કરોડની કોર્પોરેટ લોનની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ શહેરમાં કોર્પોરેટ લોન આપવાના બહાને વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો ઝોન-7 LCBની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે જીતેન્દ્ર મકવાણા, અલ્પેશ મકવાણા, કેયુર પટેલ અને શૈલેષ પરમાર નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી બેંક કરતા અડધા વ્યાજે કરોડોની લોન અપાવવાની લાલચ આપી સ્ટેમ્પ ડ્યુટીના નામે વેપારીઓ પાસેથી નાણાં પડાવી લેતી હતી.
આસામ અને તામિલનાડુના વેપારીઓ બન્યા ભોગ
તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગે આસામના એક વેપારીને 100 કરોડની મોર્ગેજ લોન આપવાનું કહી 35 લાખ અને તામિલનાડુના વેપારીને 30 કરોડની લોન અપાવવાના બહાને 30 લાખ પડાવી લીધા હતા. આ અંગે બોડકદેવ અને સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી જીતેન્દ્ર અગાઉ બસ કંડક્ટર હતો, જ્યારે કેયુર રેપિડો ચલાવતો હતો. આ સામાન્ય દેખાતા શખ્સોને આગળ કરી મુખ્ય સૂત્રધાર વિકી શર્મા અને નીતાંત શર્મા છેતરપિંડીનું આખું નેટવર્ક ચલાવતા હતા.
મોડસ ઓપરેન્ડી અને ફરાર આરોપીઓ
મુખ્ય આરોપી વિકી શર્મા પોતાની ઓળખ મોટી કંપનીના માલિક તરીકે આપતો હતો, જ્યારે નીતાંત બનાવટી કંપનીઓ ઊભી કરી ઠગાઈના નાણાં તે એકાઉન્ટમાં જમા કરાવતો હતો. ઝડપાયેલા ચાર આરોપીઓ કંપનીના કર્મચારી બનીને વેપારીઓનો વિશ્વાસ જીતતા હતા. પોલીસને આશંકા છે કે આ ગેંગે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હશે. હાલમાં પોલીસ ફરાર વિકી અને નીતાંતની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો--- Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ