calendar_todayAugust 15, 2026
Ahmedabad: નરેન્દ્ર મોદી સહિત પૂર્વ મુખ્યમંત્રીઓ અમેરિકા કેમ ન જઈ શક્યા? જાણો 25 વર્ષનો રોચક ઈતિહાસ
ગુજરાત રાજ્યના મંત્રી અને સરકારી પ્રવક્તા જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' માટે વિદેશી રોકાણકારો, મોટા ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવાનો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક યુએસ પ્રવાસ
મુખ્યમંત્રીના આ પ્રવાસથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ (FDI) આવવાની શક્યતાઓ છે. અમેરિકામાં વસતો વિશાળ ભારતીય અને ખાસ કરીને પાટીદાર (પટેલ) સમુદાય તેમના સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યો છે.વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 'વાઇબ્રન્ટ ગુજરાત' સમિટની શરૂઆત કરી હતી. જોકે, 2005માં અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હોવાથી તેઓ સીએમ તરીકે અમેરિકા જઈ શક્યા ન હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ અમેરિકાની સફળ મુલાકાતો લીધી હતી.
કેશુભાઈ પટેલ પછી યુએસ જનારા બીજા ભાજપ સીએમ
નરેન્દ્ર મોદી પછી સીએમ બનેલા આનંદીબેન પટેલે 2015માં ચીનની મુલાકાત લીધી હતી, જ્યારે તેમના અનુગામી વિજય રૂપાણીએ રશિયાનો પ્રવાસ કર્યો હતો. આથી, એપ્રિલ 2000માં કેશુભાઈ પટેલના પ્રવાસ બાદ 25 વર્ષના લાંબા ગાળા પછી ભૂપેન્દ્ર પટેલ એવા પ્રથમ વર્તમાન સીએમ બનશે જેઓ અમેરિકાની ધરતી પર પગ મૂકશે.
પ્રવાસના મુખ્ય પાસાઓ
સેમિકન્ડક્ટર, એઆઈ (AI), રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે યુએસ કંપનીઓને ગુજરાત લાવવાનો લક્ષ્યાંક.યુએસ ઉપરાંત કેનેડાના અગ્રણી વેપારી જૂથો સાથે પણ રોડ-શો અને બેઠકો યોજાશે. ઉત્તર અમેરિકામાં વસતા ગુજરાતી ડાયસ્પોરા સાથે સીધો સંવાદ સાધવામાં આવશે.