android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: દાણીલીમડામાં 3 દિવસથી ડહોળાયેલું પાણી મળતા 10 હજારથી વધુ લોકો ત્રાહિમામ્

calendar_todayJanuary 16, 2026

Ahmedabad: દાણીલીમડામાં 3 દિવસથી ડહોળાયેલું પાણી મળતા 10 હજારથી વધુ લોકો ત્રાહિમામ્

સ્માર્ટ સિટી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દાણીલીમડા ગામ અને તેની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા આઠ-દસ મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી ન આવવાને કારણે અને જે આવે છે તે અત્યંત ગંદુ અને ડહોળાયેલું હોવાને કારણે સ્થાનિકોમાં બિમાર પડવાનો ડર રહેલો છે.

દાણીલીમડાની લક્ષ્મીકુંજ સોસાયટી, જનકપુરી, અંબાલાલ પાર્ક, મંગલ વિકાસ, પસાભાઈની ચાલી અને શિવમ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં અંદાજે 12 થી 15 હજાર લોકો પાણીની આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ અંગે જ્યારે સ્થાનિકોએ અધિકારીને રજુઆત કરી તો જણાવ્યુ કે, પહેલાનું બધું ભૂલી જવાનું, હવે આવું જ પાણી આવશે અને પ્રેશર વધશે નહીં. આ અંગે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ સવારે 6 થી 8 વાગ્યા સુધી નિયમિત પાણી આવતું હતું, પરંતુ હવે માત્ર અડધો કલાક જ પાણી આવે છે. તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે એક ડોલ ભરતા કલાકો નીકળી જાય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો સ્થિતિ વધુ વણસી છે. નળમાં ગટર જેવું ગંધાતું અને ડોહળાયેલું પાણી આવતા લોકો તે પીવા માટે મજબૂર બન્યા છે. આ દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ મજબૂરીમાં પીવાના પાણીના કેન અને બોટલો બહારથી ખરીદવી પડે છે, જેનાથી તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો