android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: એકતરફ 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનાની જાહેરાત, બીજીતરફ ગૌતસ્કરી રોકવા ગૌભક્તોનો હાઈવોલ્ટેજ ડ્રામા

calendar_todayFebruary 5, 2026

Ahmedabad: એકતરફ 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનાની જાહેરાત, બીજીતરફ ગૌતસ્કરી રોકવા ગૌભક્તોનો હાઈવોલ્ટેજ ડ્રામા

ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા (AMC) દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વિકાસના અનેક કામોની સાથે એક એવો નિર્ણય લેવાયો છે જેણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં છેલ્લે વર્ષ 1903માં જમાલપુર ખાતે કતલખાનું બન્યું હતું, જેના 123 વર્ષ બાદ હવે ફરી એકવાર નવું આધુનિક સ્લોટર હાઉસ બનાવવાની મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી છે.

બજેટમાં સ્લોટર હાઉસની જોગવાઈ

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવેલા ₹17,018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં દક્ષિણ ઝોન માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે.શાહવાડી-બહેરામપુરા વિસ્તાર (TP-32). અંદાજે 15,882 સ્ક્વેર મીટર જમીનમાં ₹32 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લોટર હાઉસ ડેવલપ કરાશે. આ જાહેરાતે શહેરના સામાજિક અને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે, કારણ કે આ નિર્ણય લાંબા સમય બાદ લેવામાં આવ્યો છે.

પાલડીમાં ગૌતસ્કરીનો ફિલ્મી પીછો અને હોબાળો

એક બાજુ તંત્ર નવા કતલખાનાનું આયોજન કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ શહેરમાં ગેરકાયદેસર રીતે ગૌવંશને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિઓ પર ગૌભક્તોએ લાલ આંખ કરી છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના બની છે. કસાઈઓ એક કારમાં 4 ગાયોને અત્યંત નિર્દયતાથી ભરીને લઈ જઈ રહ્યા હતા. ગૌરક્ષકોએ કારનો પીછો કરતા કસાઈઓએ બચવા માટે કારને બેફામ હંકારી હતી. આ દરમિયાન કાર ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS ટ્રેકમાં ઘૂસી ગઈ હતી અને ટ્રેકની રેલિંગ તેમજ માર્ગને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ગૌભક્તોએ હિંમતપૂર્વક પીછો ચાલુ રાખી કસાઈઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકઠા થતા વાતાવરણ ગરમાયું હતું.

તંત્ર સામે સવાલો

અમદાવાદમાં ગૌમાતાને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત રહેતા અને બીજી બાજુ સરકારી સ્તરે કતલખાના માટે કરોડોની જોગવાઈ થતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગૌરક્ષકોનો આક્ષેપ છે કે એક તરફ ગાયોની સુરક્ષા માટે દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આવા પ્રોજેક્ટ્સ અને વધતી ગૌતસ્કરી ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: Tharad: વાવ-સુઈગામ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં યુવાનનું કરૂણ મોત