calendar_todaySeptember 18, 2026
Ahmedabadના નરોડામાંથી રૂ.55.50 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા સર્કલ નજીક આવેલા ચામુંડા ટાયર સામેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક યુવકની અટકાયત કરી તલાશી લેતાં તેની પાસેથી અંદાજે રૂ.55.50 લાખની કિંમતનું 1.850 કિલોગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) નો મોટો જથ્થો મળી આવ્યો છે.
શોલ્ડર બેગમાંથી મળી આવ્યું 1.85 કિલો મેફેડ્રોન
પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ઓળખ બેંગ્લોરના 24 વર્ષીય નિકીલેશ ક્રીષ્નપ્પા તરીકે થઈ છે. આરોપીના કબજામાંથી મળી આવેલી શોલ્ડર બેગની ઝડતી લેતાં અંદરથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની પ્રાથમિક ચકાસણીમાં પણ આ પદાર્થ મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપી પાસે આ નશાકારક પદાર્થ રાખવા કે તેની હેરાફેરી કરવા અંગે કોઈ કાયદેસરની પાસ કે પરમિટ ન હતી. પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.
બેંગ્લોરમાં નાઇજિરિયનને સોંપવાનું હતું સપ્લાય
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાજ્ય નેટવર્ક અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી નિકીલેશ આ મેફેડ્રોનનો જથ્થો ચંદીગઢ ખાતે બે નાઇજિરિયન શખ્સો પાસેથી મેળવીને આવ્યો હતો. આ જથ્થો બેંગ્લોર ખાતે રહેતા 'ફ્રેન્ક' નામના અન્ય એક નાઇજિરિયન શખ્સને પહોંચાડવાનો હતો. હાલ નરોડા પોલીસ મથકમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા નાઇજિરિયન નાગરિકો સહિત તમામ આરોપીઓને દબોચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.