android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : જુહાપુરામાં 6 મહિનાથી ચાલી રહેલું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું, 6 મોબાઈલ ફોન અને 2 લેપટોપ જપ્ત

calendar_todayFebruary 18, 2026

Ahmedabad : જુહાપુરામાં 6 મહિનાથી ચાલી રહેલું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું, 6 મોબાઈલ ફોન અને 2 લેપટોપ જપ્ત

અમદાવાદના જુહાપુરામાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું છે. વેજલપુર પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે. અમેરિકન નાગરિકો સાથે લોનના બહાને છેતરપિંડી કરતા હતા. છેલ્લા 6 મહિનાથી કોલ સેન્ટર ચાલતુ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

વેજલપુર પોલીસે જુહાપુરામાં આવેલી રંગઅવધૂત સોસાયટીના 36 નંબરના મકાનમાં દરોડા પાડીને મુનાફખાન પઠાણ અને સકલૈન સિપાઈની ધરપકડ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે મુનાફ ખાન પોતાના જ ઘરમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવે છે અને જેને લઈ પોલીસે રેડ કરી, ત્યારે તે જ સોસાયટીમાં રહેતો સકલૈન સિપાઈ પણ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને 2 લેપટોપ કબ્જે કર્યા છે. પોલીસે તપાસ કરતા ઝડપાયેલા આરોપી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીના ઈરાદે કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી જુદા જુદા સ્ટોરના બારકોડ તથા ગિફ્ટકાર્ડ મેળવી લેતા

મળતી માહિતી પ્રમાણે આરોપીઓ અમેરિકાની લોન આપનાર કંપનીના અધિકારીની ઓળખ આપીને લોન આપવાની વાત કરીને વિદેશી નાગરિકોને જાળમાં ફસાવતા હતા. બાદમાં ખોટા લોન એપ્રુવલ લેટરો મોકલીને વિદેશી નાગરિકો પાસે ચેક ડિપોઝીટ કરાવીને તેના બદલામાં અમેરિકન નાગરિકો પાસેથી કેશ એપ અને એપલ પેના ઓનલાઈન માધ્યમથી, વોલમાર્ટ તેમજ જુદા જુદા સ્ટોરના બારકોડ તથા ગિફ્ટકાર્ડ મેળવી લેતા હતા. જે તમામ વસ્તુઓ ટેલીગ્રામ મારફતે વિવિધ વેન્ડરો મારફતે પ્રોસેસ કરાવીને આંગડિયા મારફતે ભારતીય ચલણમાં કે યુએસડીટીમાં પેમેન્ટ કન્વર્ટ કરાવીને તે રકમ મેળવીને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા.

મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો

નોંધનીય છે કે બંને આરોપીઓ છેલ્લા 6 માસથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. બંને આરોપી બીકોમ અને ધોરણ 12 પાસ છે. ઉપરાંત મુનાફખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો. જે ડેટા આધારે બંને આરોપીઓ ગુગલ વોઈઝ એપ્લીકેશનથી વિદેશી નાગરિકોને કોલ, મેસેજ કે ઈમેઈલ કરતા હતા. ત્યારે આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે. તે જોવું મહત્વનું છે. 

આ પણ વાંચો : Ahmedabad News: બોપલ તળાવ સામે નિર્માણાધીન 'શિવમ ટાવર'માં શ્રમિકનું મોત