android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : 60 ટકા આંગણવાડીઓ ભાડાના મકાનમાં, કોર્પોરેશનના કરોડોના બજેટ વચ્ચે ચોંકાવનારી હકીકત

calendar_todaySeptember 8, 2026

Ahmedabad : 60 ટકા આંગણવાડીઓ ભાડાના મકાનમાં, કોર્પોરેશનના કરોડોના બજેટ વચ્ચે ચોંકાવનારી હકીકત

અમદાવાદમાં આંગણવાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2,128 આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે. જોકે, આમાંથી 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે.

60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં

એટલે કે, અમદાવાદ શહેરની લગભગ 60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતા કોર્પોરેશન સામે હવે આ મુદ્દે સવાલો ઊભા થયા છે.

દર મહિને ભાડા પાછળ કેટલો ખર્ચ થાય છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ માટે દર મહિને અંદાજે 8 હજારથી 14 હજાર રૂપિયા સુધીનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.

યોજન પર પણ પ્રશ્નો ઊભા થયા

એક તરફ શહેરમાં મોટી સંખ્યામાં આંગણવાડીઓ માટે દર મહિને ભાડાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે વર્ષો સુધી આ ખર્ચ ચાલુ રાખવા પાછળના આયોજન પર પણ પ્રશ્નો ઊભા થયા છે.

પોતાની જમીન છતાં કાયમી મકાનો કેમ નહીં?

અમદાવાદમાં કુલ 2,128 આંગણવાડીઓમાંથી માત્ર 603 આંગણવાડીઓ જ કોર્પોરેશનના પોતાના મકાનમાં કાર્યરત છે. જ્યારે 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે મોટો સવાલ એ ઊભો થયો છે કે, જો કોર્પોરેશન વર્ષોથી આંગણવાડીઓના ભાડા પાછળ મોટી રકમ ખર્ચી રહ્યું છે તો કોર્પોરેશનની પોતાની જમીન પર કાયમી આંગણવાડીઓનું નિર્માણ કેમ કરવામાં આવતું નથી?

હવે ખાલી પ્લોટોની યાદી મંગાવાઈ

આ મુદ્દે મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના ખાલી પ્લોટ પર આંગણવાડીઓ બનાવવા માટે તંત્ર પાસેથી ખાલી પ્લોટોની યાદી મંગાવવામાં આવી છે. હવે તંત્ર દ્વારા ખાલી જમીનોની યાદી મળ્યા બાદ કોર્પોરેશનની પોતાની જમીન પર નવી અને કાયમી આંગણવાડીઓ બનાવવાની પ્રક્રિયા આગળ વધે છે કે નહીં, તેના પર નજર રહેશે.  


આ પણ વાંચો   :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?