calendar_todayJanuary 4, 2026
Ahmedabadમાં પત્રકાર હોવાની ઓળખ આપી વેપારી પાસેથી રૂ.65,000 પડાવનાર જયેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પત્રકારના નામે તોડબાજી કરનાર એક શખ્સનો પર્દાફાશ થયો છે. પોલીસની ધરપકડનો ડર બતાવી બુટ-ચપ્પલના વેપારી પાસેથી હજારો રૂપિયા પડાવનાર બોગસ પત્રકાર જયેશ ઠક્કર વિરુદ્ધ દાણીલીમડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનાર વેપારી દાણીલીમડા વિસ્તારમાં બુટ-ચપ્પલનો વ્યવસાય કરે છે. અગાઉ આ વેપારી પર જુગારનો એક કેસ નોંધાયો હતો.
જયેશ ઠક્કર વિરુદ્ધ દાણીલીમડા પોલીસમાં ફરિયાદ
આ બાબતનો ફાયદો ઉઠાવી જયેશ ઠક્કરે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી. તેણે વેપારીને ધમકી આપી હતી કે, "તારા વિરુદ્ધ પોલીસ વિભાગમાં અરજી કરવામાં આવી છે, જો તું પૈસા નહીં આપે તો તારી ધરપકડ કરાવી દઈશ." પોલીસના નામે ડરાવીને જયેશ ઠક્કરે વેપારી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹65,000 પડાવી લીધા હતા. વારંવારની નાણાંની માંગણીથી કંટાળીને અંતે વેપારીએ હિંમત દાખવી દાણીલીમડા પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી.
જુગારનો કેસ થયો હોવાથી ધરપકડની ધમકી આપી
પોલીસે વેપારીની ફરિયાદના આધારે બોગસ પત્રકાર જયેશ ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પત્રકારત્વના ઓઠા હેઠળ કેટલાક અસામાજિક તત્વો વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ લેભાગુ તત્વોથી ડર્યા વગર તુરંત પોલીસનો સંપર્ક કરવો.