calendar_todayMarch 29, 2026
Ahmedabad: ઇસનપુરમાં 66 વર્ષના વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલીને ગઠિયાએ રૂ.1.80 લાખ ઉપાડી લીધા
શહેરનાવ પૂર્વ વિસ્તારમાં ચાર ઠગાઇના બનાવો સામે આવ્યા છે. જેમાં ઇસનપુરમાં વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી ગઠિયાએ રૂ. 1.80 લાખ ઉપાડી લીધા.
તેમજ નારોલમાં વિમા પોલીસી રિન્યુ કરવાના બહાને ગઠિયાએ યુવક પાસેથી રૂ. 36 હજાર પડાવ્યા છે. ઉપરાંત જમાલપુરમાં ઓનલાઇન સસ્તી ડુંગળીની રીલ્સ જોઇને ઓર્ડર આપતા વેપારીએ રૂ. 50 હજાર ગુમાવ્યા છે. જ્યારે સરસપુરમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ થતા ફોન હેક કરીને ગઠિયાએ રૂ. 99 હજાર સેરવી લીધા હતા. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
ઘટના - 1
ઇસનપુરમાં 66 વર્ષીય દીપકકુમાર પંડયા નિવૃત જીવન ગુજારે છે. તેમને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા ગત ફેબ્રુઆરીમાં ગોવિંદવાડી પાસે આવેલા પંજાબ નેશનલ બેંકના ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. જ્યાં ATMમાં અગાઉથી એક અજાણ્યો શખ્સ હાજર હતો. વૃદ્ધ ATMમાં થી રૂપિયા કાઢી રહ્યા હતા, ત્યારે શખ્સે વૃદ્ધનુ ધ્યાન વાતોમાં ખેંચીને પાસવર્ડ જાણી લીધો અને ATM કાર્ડ પણ બદલી નાંખીને વૃદ્ધને અન્ય કાર્ડ આપી દીધુ હતુ. ત્યારબાદ વૃદ્ધ ઘરે ગયા હતા. બાદમાં 23 માર્ચે બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટની તપાસ કરાવતા માલુમ પડયુ કે તેમના ખાતામાંથી રૂ. 1.10 લાખ કપાઇ ગયા છે.
ઘટના - 2
નારોલમાં રહેતા 41 વર્ષીય કેશવલાલ પ્રજાપતિ નોકરી કરે છે. તેમને ઇસનપુરમાં આવેલી ખાનગી ઇન્શ્યોરન્સ કંપનીમાંથી ગતવર્ષે વીમો ઉતરાવ્યો હતો. ગત 9 માર્ચે તેઓ ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બોલું છું તમારો વિમો પૂરો થઇ ગયો છે. રીન્યુ કરાવવાનો છે? જેથી કેશવલાલે હા પાડતા ગઠીયાએ મારા મેનેજર તમને ફોન કરશે અને બધું સમજાવશે કહ્યું હતું. થોડી જ વારમાં બીજા એક નંબર પરથી ફોન આવ્યો અને પ્રીમીયમના રૂ.36,932 ભરવાના છે કહીને કેશવલાલ પાસેથી ફોન પે એપ્લીકેશન થકી રૂપિયા ભરાવડાવી દીધા હતા.
ઘટના - 3
જમાલપુરમાં રહેતા જૂનેદખાન પઠાણ ડુંગળીનો હોલસેલ ધંધો કરે છે. તેમને ઇન્સ્ટાગ્રામમાં બજાર કરતા સસ્તી ડુંગળી મળતી હોવાની રીલ્સ જોઇ હતી. જેથી જૂનેદખાને આપેલ નંબર પર મેસેજ કરતા ગઠિયાઓએ રૂ. 9 કિલો ડુંગળી આપવાનું જણાવ્યુ હતુ. જેથી વેપારીએ 12 ટન ડુંગળીનો ઓર્ડર આપ્યો હતો. તેમાં વેપારીએ ઓનલાઇન રૂ. 50 હજાર ચૂકવી આપ્યા હતા પરંતુ ગઠિયાઓએ માલસામાન કે રૂપિયા પરત ન આપીને ફોન બંધ કરીને ઠગાઇ આચરી છે. આ અંગે જૂનેદખાને અજાણ્યા ગઠિયા સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
ઘટના - 4
સરસપુરમાં રહેતા અશ્વિનભાઇ ચૌહાણ નોકરી કરે છે. ગત 14 માર્ચે તેઓ ફોનમાં ગેમ રમતા હતા તે સમયે અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જાહેરાત આવતી હતી. જેથી ભૂલમાં કોઇ એક એપ્લીકેશન ડાઉનલોડ કરીને ખોલતા તેમનો ફોન હેક થઇ ગયો હતો. જેથી ફોન બંધ કરી દીધો હતો. બાદમાં બીજા દિવસે સવારે તે દૂધ લેવા ગયા અને ફોનથી પેમેન્ટ કરવા જતા બેલેન્સ ચેક કરતા રૂ. 99 હજાર કપાઇ ગયા હતા. જેથી ઠગાઇની જાણ થઇ હતી. આ અંગે અશ્વિનભાઇએ અજાણ્યા ગઠિયા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો