android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરીનો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો નેક્સ્ટ રાઉન્ડમાં

calendar_todaySeptember 5, 2026

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરીનો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો નેક્સ્ટ રાઉન્ડમાં

અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 'વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026' નો સત્તાવાર શુભારંભ થયો છે. સ્પર્ધાના પ્રથમ દિવસે તીરંદાજોની સાધન તપાસ અને સત્તાવાર પ્રેક્ટિસ સેશન બાદ પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા.

અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026 નો પ્રારંભ

આ રિકર્વ કેટેગરીમાં વિશ્વભરમાંથી કુલ 39 તીરંદાજોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષ વિભાગમાં 20 અને મહિલા વિભાગમાં 19 ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. હોસ્ટ કન્ટ્રી તરીકે ભારતે બંને વિભાગમાં 4-4 મળી કુલ 8 તીરંદાજો મેદાનમાં ઉતાર્યા હતા.પ્રથમ દિવસની રમતમાં ભારતીય પેરા તીરંદાજોએ પોતાના કૌશલ્યનો અદ્ભુત પરિચય આપ્યો હતો. પેરા રિકર્વ પુરુષ ક્વોલિફિકેશનમાં ભારતના હરવિંદર સિંહે 20 તીરંદાજો વચ્ચે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે પેરા રિકર્વ મહિલા કેટેગરીમાં ભારતીય આર્ચર ભાવનાએ 19 ખેલાડીઓ વચ્ચે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

ભારતીય પેરા આર્ચર્સનો દબદબો

ભારતના આઠેય તીરંદાજો - હરવિંદર સિંહ, પ્રવીણ, સહજવીર સિંહ અને વિજય સુન્ડી (પુરુષો) તથા ભાવના, પૂજા કુમારી, રાજશ્રી ધનરાજ રાઠોડ અને પૂજા (મહિલાઓ) એ પોતપોતાના મુકાબલા જીતીને પછીના રાઉન્ડમાં જગ્યા પક્કી કરી લીધી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં મહિલા વિભાગમાં ઇન્ડોનેશિયા જ્યારે પુરુષ વિભાગમાં ઇરાનનું વર્ચસ્વ રહ્યું હતું અને તેઓ ટોચના સ્થાને રહ્યા હતા. આવતીકાલે પેરા કમ્પાઉન્ડ કેટેગરીના મુકાબલા શરૂ થશે, જેમાં ભારતની સ્ટાર આર્ચર શીતલ દેવી, પાયલ નાગ અને રાકેશ કુમાર જેવા પ્રખ્યાત તીરંદાજો એક્શનમાં જોવા મળશે. આગામી દિવસોમાં વિવિધ એલિમિનેશન તબક્કાઓ પૂર્ણ થયા બાદ તારીખ 8 અને 9 સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફાઇનલ્સ અને મેડલ વિતરણ સમારોહ યોજાશે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલીઓ; 108 સ્ટાફ નર્સની ફેરબદલીના આદેશ