calendar_todayFebruary 5, 2026
Ahmedabad: AMC બજેટમાં નવા કતલખાનાની દરખાસ્ત ‘નામંજૂર’, Sandesh Newsના અહેવાલની અસર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 123 વર્ષ બાદ નવા કતલખાના બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાત થતાની સાથે જ સમગ્ર શહેરમાં તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો હતો. લોકો અને ગૌરક્ષકોના ભારે આક્રોશને જોતા આખરે કતલખાનાની આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. સંદેસ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે.
બજેટ અને વિવાદની વિગત
મ્યુનિસિપલ કમિશનરે શાહવાડી વિસ્તારમાં ₹32 કરોડના ખર્ચે 16 હજાર સ્ક્વેર મીટરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવાની જોગવાઈ બજેટમાં કરી હતી. શહેરમાં છેલ્લે 1903માં જમાલપુરમાં કતલખાનું બન્યું હતું. નવી દરખાસ્ત સામે ધાર્મિક અને સામાજિક સંગઠનોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. લોકોનો તર્ક હતો કે અહિંસાની ભૂમિ પર નવા કતલખાનાને સ્થાન ન હોવું જોઈએ. જનતાની લાગણી અને ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આખી દરખાસ્તને પડતી મૂકવામાં આવી છે અથવા નામંજૂર કરવામાં આવી છે.
ધરણીધર-ચંદ્રનગર રૂટ પર હાઈવોલ્ટેજ ડ્રામા
એક તરફ બજેટમાં કતલખાનાનો વિરોધ ચાલી રહ્યો હતો, ત્યારે બીજી તરફ પાલડી વિસ્તારમાં ગૌતસ્કરીની એક જીવંત ઘટનાએ લોકરોષમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ગૌમાતાને કતલખાને લઈ જતા કસાઈઓનો ગૌરક્ષકોએ પીછો કર્યો હતો. પકડાઈ જવાની બીકે કસાઈઓએ તેમની કાર ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર બેફામ હંકારી હતી, જેના કારણે ટ્રેક અને રેલિંગને ભારે નુકસાન થયું હતું. જીવના જોખમે ગૌભક્તોએ કસાઈઓને ઘેરી લીધા હતા અને તેમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.