android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad માં 'ઝેરી' બની હવા, AQI 250ને પાર, વર્ષમાં શ્વાસની સમસ્યાના 1.29 લાખ ઈમરજન્સી કોલ્સ

calendar_todayJanuary 2, 2026

Ahmedabad માં 'ઝેરી' બની હવા, AQI 250ને પાર, વર્ષમાં શ્વાસની સમસ્યાના 1.29 લાખ ઈમરજન્સી કોલ્સ

અમદાવાદ શહેરમાં શિયાળાની શરૂઆતની સાથે જ વાયુ પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત 200ની ઉપર નોંધાઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. ખાસ કરીને શાંતિગ્રામમાં AQI 250 અને થલતેજમાં 207 સુધી પહોંચી ગયો છે. રસ્તાઓ પર ઉડતી ધૂળની રજકણો, વાહનોનો સતત ધુમાડો અને મોટા પાયે ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિઓએ શહેરના વાતાવરણને પ્રદૂષિત બનાવી દીધું છે. સોલા, બોપલ, ઉષ્માનપુરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં પહોંચી ગઈ છે, જેના કારણે ફેફસાં પર ગંભીર અસર પડી રહી છે.

પ્રદૂષણનો કહેર

પ્રદૂષિત હવાની સીધી અસર હવે હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં શ્વાસ સંબંધી સમસ્યાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. EMRI 108ના આંકડા મુજબ, વર્ષ 2025માં સમગ્ર ગુજરાતમાંથી શ્વાસની તકલીફના 1.29 લાખથી વધુ ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે, જ્યારે વર્ષ 2024માં આ આંકડો 1,24,210 હતો. માત્ર અમદાવાદ શહેરમાં જ શ્વાસ સંબંધી 31,162 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર મોટી ઉંમરના લોકો જ નહીં, પરંતુ નાની વયના લોકો અને બાળકો પણ દમ, એલર્જી અને શ્વાસની ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે.

શ્વાસ લેવો પણ મુશ્કેલ

અમદાવાદ બાદ સુરતમાં પણ પ્રદૂષણની અસર દેખાઈ રહી છે, જ્યાં 11,736 જેટલા ઇમરજન્સી કોલ્સ મળ્યા છે. પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી રહેવાને કારણે દમના દર્દીઓની હાલત વધુ કફોડી બની રહી છે. તબીબોના મતે, વહેલી સવારે અને મોડી રાત્રે જ્યારે પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હોય છે, ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વધતા જતા પ્રદૂષણ અને શ્વાસની બીમારીઓથી બચવા માટે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. જો આ પ્રદૂષણ પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આરોગ્યની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે