calendar_todaySeptember 19, 2026
Ahmedabad: CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે કર્યો સંવાદ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સેન્ટ્રલ જેલ (સાબરમતી જેલ) ની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જેલ પરિસરમાં કેદીઓના પુનર્વસન અને કૌશલ્ય વિકાસ માટે ચાલી રહેલા વિવિધ જેલ ઉદ્યોગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે જેલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને વિવિધ કામગીરી કરતા બંદીવાન કેદીઓ સાથે સીધો, સંવેદનશીલ અને મનમોકળો સંવાદ સાધ્યો હતો.
CM ની વાત બાદ કેદીએ ગાયું ભજન
આ સંવાદ દરમિયાન જેલમાં લાંબા સમયથી બંધ અલગ-અલગ કેદીઓએ પોતાની સજા અને સજા માફી અંગે મુખ્યમંત્રી સમક્ષ આજીજી સાથે રજૂઆતો કરી હતી. 14 વર્ષની સજા કાપી ચૂકેલા એક કેદીએ માફીનામું આપવાની માંગ કરી હતી, જ્યારે 18 વર્ષથી સજા ભોગવતા અને જેલમાં કડિયાકામ કરતા કેદી નંબર 2 અને 22 વર્ષથી જેલમાં બંધ કેદી નંબર 3 એ પણ પોતાની સજા માફી પર સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
અમે તમારી પીડા સમજી શકીએ છીએ – CM નું આશ્વાસન
કેદીઓની રજૂઆત પર મુખ્યમંત્રીએ તાર્કિક અને આત્મીય પૂછપરછ કરતાં કહ્યું કે, "તમને ખ્યાલ છે કે તમને આ લાભ કેમ નથી મળતો?" જેના જવાબમાં કેદીએ પોતે સ્વીકાર્યું હતું કે ક્યારેક પેરોલ પર ઘરે ગયા હોય ત્યારે મેડિકલ કે અન્ય કારણોસર વધારે દિવસો રોકાઈ જવાના લીધે નિયમો મુજબ લાભ મળતો નથી. વાતચીત દરમિયાન કેદીઓએ પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "અમારાથી આવેશમાં ખૂન થઈ ગયું હતું, પરિવાર બરબાદ થઈ ગયો અને જિંદગી ખરાબ થઈ ગઈ, બહાર કોઈએ પણ આવો ગુનો ન કરવો જોઈએ."
વૈષ્ણવ જન તો સાંભળ્યું હોય તો ગુનો થાય જ નહીં
આ સાંભળી મુખ્યમંત્રીએ માર્મિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, "જો 'વૈષ્ણવ જન તો' સાંભળ્યું હોય તો કોઈ દિવસ ગુનો થાય જ નહીં." CM ની આ વાતથી પ્રભાવિત થઈને એક કેદીએ જેલમાં જ ભાવવિભોર થઈને 'વૈષ્ણવ જન તો' ભજન ગાયું હતું. કેદીઓને સાંત્વના આપતાં ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, "તમારી અંદર જે પીડા છે તે અમે જાણી શકીએ છીએ. ક્યારે કયા સંજોગોમાં ગુનો થઈ જાય તે આપણા હાથમાં નથી હોતું. ઘણીવાર એવું થાય કે પૈસાવાળો છૂટી જાય અને તમે અંદર રહી જાઓ. પરંતુ હવે અંદર આવ્યા છો તો સારી રીતે સજા કાપો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌને પોતાના પરિવારજન ગણે છે, એટલે તમે જેલમાં છો તેથી પરિવારથી અલગ છો તેવું ન વિચારતા. જેલમાં તમારું જીવન સરળ બને તેવા પ્રયાસો કરીશું, અહીં રહીને જે સેવા કાર્ય થાય તે કરજો."