android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad Gandhinagarને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડ નહી પણ ટેકનિકલ જોઇન્ટ, અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

calendar_todayJanuary 4, 2026

Ahmedabad Gandhinagarને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડ નહી પણ ટેકનિકલ જોઇન્ટ, અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા વ્યસ્ત ઇન્દિરા બ્રિજ પર મોટી તિરાડો પડી હોવાના સમાચાર વાયરલ થયા હતા. આ સમાચારોને કારણે વાહનચાલકોમાં ફાળ પડી હતી. જોકે, હવે પાટનગર યોજના વિભાગ દ્વારા આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરી જાહેર જનતાને આશ્વસ્ત કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવી

આ ગંભીર વિષયની નોંધ લેતા પાટનગર યોજના વિભાગ-3 ના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા બ્રિજની સંયુક્ત રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝમાં જે તિરાડો દર્શાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી અને ભ્રામક છે.

તિરાડ નથી પરંતુ એક્સપાન્શન જોઈન્ટ છે

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્પષ્ટતા કરતા અધિકારીઓએ જણાવ્યું કે, જેને લોકો તિરાડ સમજી રહ્યા છે તે વાસ્તવમાં 'એક્સપાન્શન જોઈન્ટ' છે. સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ, બે સ્પાન વચ્ચે આ જગ્યા રાખવી અનિવાર્ય છે. ઋતુ પ્રમાણે તાપમાનમાં થતા ફેરફારને કારણે સિમેન્ટ-કોંક્રિટના મટીરીયલમાં થતા વિસ્તરણ અને સંકોચનને સમાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે, જે બ્રિજની મજબૂતી માટે જરૂરી છે.

ઇન્દિરા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ સુરક્ષિત

વધુમાં મળતી માહિતી પ્રમાણે ઇન્ફ્રાનાઇટ કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજનું સંપૂર્ણ ટેકનિકલ ઓડિટ કરવામાં આવ્યુ હતુ. આ રિપોર્ટમાં બ્રિજના મુખ્ય માળખામાં કોઇ પણ પ્રકારની સ્ટ્રક્ચરલ ક્ષતિ જોવા મળી નથી. વિભાગ દ્વારા સમયાંતરે બ્રિજની જાળવણી અને તપાસ કરવામાં આવે છે. તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે ઇન્દિરા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ સુરક્ષિત છે. જનતાએ આવી પાયાવિહોણી અફવાઓથી ડરવાની જરૂર નથી અને ભય વગર બ્રિજનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચોઃ Dwarkaના ભાણવડના યુવકને વિદેશ જવાની ઘેલછા ભારે પડી, દીપક ચાવડા અર્મેનિયામાં ફસાયો