calendar_todayMay 3, 2026
Ahmedabad News: મહીસાગર 'નલ સે જલ' કૌભાંડ મામલે હાઈકોર્ટે બે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના જામીન ફગાવ્યા, 123 કરોડના કૌભાંડમાં CIDની તપાસ તેજ
ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના 'નલ સે જલ'માં મહીસાગર જિલ્લામાં થયેલા કરોડોના કૌભાંડમાં આરોપીઓ પર કાયદાનો ગાળિયો વધુ કસાયો છે. ગુજરાત હાઈકોર્ટે આ કૌભાંડના મુખ્ય આરોપી એવા બે કોન્ટ્રાક્ટરોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કલ્પેશ શાહ અને નાનાભાઈ પંચાલને કોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
123 કરોડનું કૌભાંડ અને 111 આરોપીઓ
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કામો પૂર્ણ કર્યા વગર જ નાણાં બારોબાર સેરવી લેવાનું અંદાજે 123 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 111 જેટલા કોન્ટ્રાક્ટરોની સંડોવણી ખુલી છે. CID વડોદરા દ્વારા આ કેસની તપાસ અત્યંત ગંભીરતાથી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં CID એ 12 મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
CID વડોદરા દ્વારા કડક કાર્યવાહી
કૌભાંડની ગંભીરતાને જોતા હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, સરકારી નાણાંનો દુરૂપયોગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. CID વડોદરાની ટીમે પુરાવાઓ એકત્રિત કરી તપાસ તેજ કરી છે, જેના કારણે અન્ય આરોપીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જામીન અરજી ફગાવાતા હવે આ કોન્ટ્રાક્ટરોની ધરપકડનો માર્ગ મોકળો થયો છે.
આ પણ વાંચો - Ahmedabad News: સાવધાન! RTO મેમોના નામે છેતરપિંડી, ઘનશ્યામ બારૈયાએ આ રીતે લોકોના 31.42 લાખ ખંખેર્યા