android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: ટ્રાફિક નિયમો તોડતા 1250 સરકારી બાબુઓ દંડાયા

calendar_todayJanuary 3, 2026

Ahmedabad News: ટ્રાફિક નિયમો તોડતા 1250 સરકારી બાબુઓ દંડાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા તેમજ નિયમોનું પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય જનતા બાદ હવે નિયમ તોડનારા સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વિરૂદ્ધ પણ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી એક દિવસની વિશેષ ડ્રાઇવ દરમિયાન અમદાવાદ પોલીસે 1250થી વધુ સરકારી કર્મચારીઓને દંડ ફટકારી લાખો રૂપિયાની વસૂલાત કરી છે.

સિવિલિયન કર્મચારીઓ પાસેથી 5.77 લાખનો દંડ

આ ડ્રાઇવ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા સિવિલિયન કર્મચારીઓ સૌથી વધુ ઝપટે ચડ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 1250 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં આ કર્મચારીઓ પાસેથી રૂપિયા 5.77 લાખ જેટલો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગંભીર ઉલ્લંઘન બદલ 10 જેટલા વાહનોને ડિટેઈન પણ કરવામાં આવ્યા છે.

પોલીસકર્મીઓ પણ દંડાયા

"કાયદો બધા માટે સમાન છે" તે સૂત્રને સાર્થક કરતા પોલીસે પોતાના જ વિભાગના કર્મચારીઓ સામે પણ લાલ આંખ કરી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 80 પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુના નોંધી તેમની પાસેથી રૂપિયા 38,800 થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

શા માટે આ કાર્યવાહી?

અમદાવાદ શહેરમાં અવારનવાર એવી ફરિયાદો ઉઠતી હોય છે કે સરકારી હોદ્દા અથવા પોલીસની ઓળખ આપીને લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. હેલ્મેટ ન પહેરવું, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ અને લાયસન્સ વગર વાહન ચલાવવા જેવા કિસ્સાઓમાં હવે કોઈની પણ શરમ રાખ્યા વગર દંડ વસૂલવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ; ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો