calendar_todayMarch 19, 2026
Ahmedabad News : શહેરમાં ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી, 16 વૃક્ષો ધરાશાયી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર , ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભારે પવનને કારણે 16 વૃક્ષો ધરાશાયી
અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાયો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવનને કારણે રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડી હતી. રસ્તે પસાર થનારા વાહન ચાલકો પવનને કારણે મુશ્કેલીમાં મુકાયા હતાં. શહેરમાં ભારે પવનને કારણે 16 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 16 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કોઈ જાનહાનીના વાવડ હજી સામે આવ્યા નથી.
અમદાવાદ અને ગાંધીનગરમાં પવન ફૂંકાયો
આ ઉપરાંત ગાંધીનગરમાં પણ મીની વાવાઝોડુ ફૂંકાયું હતું. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકા એક ભારે પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. સામાન્ય વરસાદી છાંટા પણ પડ્યા હતાં. અમદાવાદના નારોલ, ઈસનપુર અને મણીનગર સહિતના વિસ્તારોમાં 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉલ્લેખનીય છે કે, સાંજે સાત વાગ્યા સુધીમાં ગુજરાત પર આકાશી આફતની આગાહી કરવામાં આવી છે. 10 જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.