calendar_todayFebruary 1, 2026
Ahmedabad News: જેદ્દાહથી આવેલી 4 મહિલાઓ 1 કરોડ 52 લાખના સોના સાથે ઝડપાઈ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરી લેવામાં આવી છે. જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી આશરે રૂપિયા 1 કરોડ 52 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ મહિલાઓ સોનાની ચેન અને બંગડીઓ સ્વરૂપે કિંમતી ધાતુની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી.
દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી
કસ્ટમ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલી ચાર મહિલાઓ પાસેથી કુલ 945.57 ગ્રામ સોનું મળી આવ્યું છે. જેમાં સોનાની 7 ચેન અને 7 બંગડીઓનો સમાવેશ થાય છે. મહિલાઓએ આ સોનું શરીર પર ઘરેણાં તરીકે પહેરીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એર ઈન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે તેમનો આ પ્લાન નિષ્ફળ ગયો હતો.
ટ્રાવેલ એજન્ટનું કનેક્શન ખુલ્યું
પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સોનું તેમને જેદ્દાહમાં એક ટ્રાવેલ એજન્ટ દ્વારા આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. એજન્ટ દ્વારા આ મહિલાઓનો ઉપયોગ 'કેરિયર' તરીકે કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા કસ્ટમ એક્ટ હેઠળ સોનું જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.