android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : શહેરમાં ચાર વર્ષમાં ખાડા પૂરવા 50 કરોડ ખર્ચાયા, એક જ મહિનામાં ફરી રસ્તા ખોદાયા

calendar_todaySeptember 16, 2026

Ahmedabad News : શહેરમાં ચાર વર્ષમાં ખાડા પૂરવા 50 કરોડ ખર્ચાયા, એક જ મહિનામાં ફરી રસ્તા ખોદાયા

અમદાવાદ મહાનગર પાલિકાના રોડ-ઈજનેર વિભાગના ઈજનેરો આફતમાં પણ અવસર શોધતા રહે છે. કોર્પોરેશનના આ ઈજનેરોને માત્ર એક મહિનાના સમયમાં વિવિધ વોર્ડના રોડ ઉપર બીજી વખત ખાડા પૂરવાની નોબત આવી પડી છે. શહેરમાં સોમવારે પડેલા ચાર ઈંચ વરસાદ પછી તરત જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેરો સફાળા જાગ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચાર વર્ષના સમયગાળામાં કોર્પોરેશનના ઈજનેરોએ શહેરના 48 વોર્ડમાં રોડ ઉપર પડેલા ખાડા પૂરવા શહેરીજનોએ ભરેલા ટેક્સના નાણાંમાંથી રૂપિયા 50 કરોડનું આંધણ કર્યું છે. 

વિવિધ રસ્તાઓ પર 43500થી વધુ ખાડા નોંધાયા

શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં શહેરના વિવિધ રસ્તાઓ પર 43500થી વધુ ખાડા નોંધાયા હતા, જેમાં વર્ષ 2023માં જ સૌથી વધુ રેકોર્ડબ્રેક 26432 ખાડા પડ્યા હતા. ચોમાસામાં અને ચોમાસા પછી સાતેય ઝોનના રસ્તાઓ ઉપર પેચવર્ક કરવા અને ખાડા પૂરવા પાછળ દર વર્ષે રૂપિયા પાંચથી સાત કરોડનો ખર્ચ કરાય છે. આ સિવાય પ્રત્યેક ઝોનદીઠ રોડ ઉપરના ખાડા પૂરવા વાર્ષિક રૂપિયા એક કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને પાંચ વર્ષમાં રોડ ઉપર ખાડા પડ્યા તેના રોડ સંબંધિત 1.53 લાખથી વધુ ફરિયાદો સીસીઆરએસ પોર્ટલ પર ઓનલાઈન મળી છે. AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં પડેલા ભુવાના સમારકામ પાછળ 26 કરોડનો ખર્ચ કરાયો છે. એક ભુવાના સમારકામ પાછળ સરેરાશ 25થી 50 લાખ સુધીનો ખર્ચ કરાતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓની હાલત દયનીય

ચોમાસા દરમિયાન અને ચોમાસાની સીઝન પૂરી થયા બાદ પણ સાતેય ઝોનના રસ્તાઓ ઉપર પેચવર્ક કરવા તેમજ ખાડા પૂરવા પાછળ દર વર્ષે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવે છે. આ નિયમિત ખર્ચ ઉપરાંત પ્રત્યેક ઝોનદીઠ રોડ ઉપરના ખાડા પૂરવા માટે વાર્ષિક વધારાનો ખર્ચ પણ અલગથી કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં જમીની હકીકત એ છે કે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓની હાલત દયનીય બની જાય છે. માત્ર જમીન પરના ખાડા જ નહીં, પરંતુ શહેરમાં પડેલા મોટા ભુવાઓએ પણ પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આમ, કરોડો રૂપિયાના માતબર ખર્ચ છતાં અમદાવાદીઓને ખાડા અને ભૂવારાજમાંથી કાયમી મુક્તિ મળતી નથી.


આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના