calendar_todayJanuary 16, 2026
Ahmedabad News: AMC સંચાલિત VS હોસ્પિટલના રીનોવેશન માટે હાઈકોર્ટે મંજૂરી આપી
અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત વાડીલાલ સારાભાઈ એટલે કે વીએસ હોસ્પિટલના રીનોવેશન પર રોક લગાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે હોસ્પિટલના રીનોવેશન માટે એએમસીને પરવાનગી આપી છે. જેથી હવે હોસ્પિટલમાં જ્યાં રિનોવેશન થવાનું છે તે જગ્યાઓ પર સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવશે.
હોસ્પિટલમાં હાલમાં 500 બેડની વ્યવસ્થા છે
હોસ્પિટલના રીનોવેશન અંગેની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઈકોર્ટમાં જણાવાયું હતું કે, હોસ્પિટલમાં હાલમાં 500 બેડની વ્યવસ્થા છે તેને ચાલુ રાખવામાં આવશે અને તેને તોડવાની કામગીરી કરાશે નહીં. હોસ્પિટલમાં વોર્ડ નંબર 1થી 6ની હાલત જર્જરિત હોવાથી તેટલા ભાગને રીનોવેટ કરવાની જરૂર છે.
કોર્ટે રીનોવેશન માટે મંજૂરી આપી હતી
સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, હોસ્પિટલનો કેટલોક ભાગ જર્જરિત હોવાથી તેને તોડવાની જરૂર છે. આ કામગીરી દરમિયાન હોસ્પિટલમાં 230 બેડ કાર્યરત રહેશે. જ્યારે રીનોવેશનનું કામ પૂર્ણ થશે ત્યારે 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકાએ અગાઉના હુકમમાં ફેરફાર કરવા માગ કરી છે. ત્યારબાદ કોર્ટે રીનોવેશન માટે મંજૂરી આપી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad News: ડોક્ટર દુબઈ ફરવા ગયા અને તસ્કરોએ ઘરમાં 1.47 કરોડનો હાથ ફેરો કર્યો