android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: AMTS એટલે જાહેર પરિવહન કે પછી રસ્તા પરનો 'લાલ આતંક'?

calendar_todayAugust 7, 2026

Ahmedabad News: AMTS એટલે જાહેર પરિવહન કે પછી રસ્તા પરનો 'લાલ આતંક'?

લાલ રંગની AMTS બસો દરરોજ લાખો અમદાવાદીઓને તેમના મુકામે પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જ લાલ બસો શહેરીજનો માટે સુવિધાને બદલે ભયનું કારણ બની ગઈ છે. રસ્તાઓ પર બેફામ ડ્રાઇવિંગ, લાલ સિગ્નલ તોડવા, બસ સ્ટોપ છોડીને રોડની વચ્ચે જ બસ ઊભી રાખવી અને ટ્રાફિકના નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવી એ હવે નિત્યક્રમ બની ગયું છે. મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં હવે એ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે, AMTS ખરેખર જાહેર પરિવહન છે કે પછી રસ્તા પર દોડતો 'લાલ આતંક'?

વર્ષ 2025-26ના અકસ્માતના આંકડા ચોંકાવનારા

કાગળ પરના આંકડા જ AMTS બસોની ભયાનક સ્થિતિ દર્શાવવા માટે પૂરતા છે. વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા અકસ્માતોની વિગતો નીચે મુજબ છે:

  • કૂલ અકસ્માત: 78
  • મોટા અકસ્માત: 21
  • નાના અકસ્માત: 57
  • જીવલેણ અકસ્માત: 10
  • કૂલ ઈજાગ્રસ્ત: 64
  • સંપતી નુકસાનના કેસ: 43
  • વાહન નુકસાનના કેસ: 42
  • ઈજાગ્રસ્ત રાહદારીઓની સંખ્યા: 26

આ આંકડા તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિકતામાં રસ્તા પરની સ્થિતિ આનાથી પણ વધુ ભયજનક જોવા મળી રહી છે.

Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation & AMTS Action Plan

કેમેરા સામે કેદ થઈ ડ્રાઇવરોની ખુલ્લેઆમ બેદરકારી

સંદેશ ન્યૂઝના કેમેરામાં AMTS ડ્રાઇવરોની ગંભીર બેદરકારીના દ્રશ્યો કેદ થયા છે. અનેક જગ્યાએ ડ્રાઇવરો લાલ સિગ્નલ તોડીને વાહનો હંકારી રહ્યા હતા. જ્યારે ડ્રાઇવરને પૂછવામાં આવ્યું કે, સિગ્નલ કેમ તોડ્યું, ત્યારે તેમનો જવાબ હતો, "થોડી 2 સેકન્ડ બાકી હતી એટલે નીકળી ગયો." પરંતુ જો એ જ થોડી સેકન્ડમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ સવાલનો કોઈ જવાબ ડ્રાઇવર પાસે ન હતો.

આ ઉપરાંત, ડ્રાઇવરો બસ સ્ટોપ સુધી જવાની તસ્દી લેતા નથી અને રોડની વચ્ચે જ બસ ઊભી રાખીને મુસાફરોને ચઢાવે-ઉતારે છે. આ બેદરકારીના કારણે પાછળ વાહનોની લાંબી કતારો લાગે છે, ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતનો સતત ખતરો બની રહે છે.

Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation & AMTS Action Plan

હવે AMTS તંત્ર આવ્યું એક્શન મોડમાં, AI કેમેરા અને ટ્રેનિંગનો દાવો

વધતા અકસ્માતો અને ચોતરફથી ઉઠેલા સવાલો બાદ હવે AMTS તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા ડ્રાઇવરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે ડ્રાઇવરોને માત્ર ડ્રાઇવિંગ નહીં, પરંતુ સાયકોલોજિકલ ટ્રેનિંગ પણ અપાશે, જેથી લાંબી ડ્યૂટી દરમિયાન તેઓ સતત જાગરૂક રહી શકે.

આ ઉપરાંત, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ દરેક બસમાં 2 દ્રશ્યમાન AI કેમેરા (ડેશબોર્ડ કેમેરા) લગાવવાની યોજના છે.

  • પહેલો કેમેરો: રસ્તા પરની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે.
  • બીજો કેમેરો: બસની અંદર ડ્રાઇવરની તમામ હિલચાલ રેકોર્ડ કરશે.

જો ડ્રાઇવર બસ ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરશે, ઝોકાં ખાશે કે બેદરકારી દાખવશે, તો કંટ્રોલ રૂમથી તરત જ એલર્ટ જશે અને ડ્રાઇવરને તાત્કાલિક સૂચના આપીને વાહનને નિયંત્રિત કરવામાં આવશે.

Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation & AMTS Action Plan

ટ્રાફિક પોલીસ અને ઇ-ચલણને લઈને મોટો ખુલાસો

આ સમગ્ર મુદ્દે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, રોડ સેફ્ટી મીટિંગમાં AMCના સંલગ્ન અધિકારીઓને આ અંગે ટકોર કરવામાં આવે છે અને જરૂર જણાય ત્યારે ઇ-ચલણ પણ આપવામાં આવે છે. જોકે, AMTS બસોને કેટલા ઇ-ચલણ ફાળવવામાં આવ્યા તેનો કોઈ અલગ ડેટા પોલીસ પાસે ઉપલબ્ધ નથી. બીજી તરફ, પોલીસ કંટ્રોલ રૂમના અધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી કેમેરા દ્વારા AMTS બસોને હાલ કોઈ ઇ-ચલણ મોકલવામાં આવતા નથી.

Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation & AMTS Action Plan

શું માત્ર દાવાઓથી બદલાશે સ્થિતિ?

દર વર્ષે અકસ્માતો વધે છે, નિયમભંગના વીડિયો વાયરલ થાય છે અને તંત્ર સુધારાના દાવા કરે છે, પરંતુ અમદાવાદીઓનો એક જ સવાલ છે કે, લાલ રંગની AMTS બસ માત્ર કાગળ પર સુવિધા બનીને રહેશે કે ખરેખર સુરક્ષિત જાહેર પરિવહન બનશે? AMTS વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાં સુધી નિયમ તોડનારા ડ્રાઇવરો સામે કડક શિક્ષાત્મક કે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી રસ્તાઓ પરનો આ 'લાલ આતંક' થંભવો મુશ્કેલ છે.


આ પણ વાંચો - Ahmedabad News : ચૈતર વસાવાની જામીન અરજી પર સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરાઈ