calendar_todayAugust 14, 2026
Ahmedabad News: સાવધાન! ATMમાં મદદના બહાને કાર્ડ બદલી ખાતું ખાલી કરતી હરિયાણાની 'મેવાતી ગેંગ' ઝડપાઈ!
જો તમે પણ ATM સેન્ટરમાંથી રોકડ નાણાં ઉપાડવા માટે જાવ છો, તો અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદ શહેરમાં સક્રિય થયેલી હરિયાણાની કુખ્યાત 'મેવાતી ગેંગ'નો નારોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. મદદ કરવાના બહાને ગ્રાહકોનું ATM કાર્ડ બદલીને મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી દેતી આ ગેંગના 3 શાતિર ગઠિયાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 3,94,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગુજરાત અને હરિયાણાના કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ રીતે શિકાર બનાવતી હતી શાતિર મેવાતી ગેંગ
આ ગેંગની છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. આરોપીઓ ATM સેન્ટરમાં પૈસા ઉપાડવા કે પિન ચેન્જ કરવા આવતા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા. મદદ કરવાના કે અલગ-અલગ બહાના બતાવીને ગ્રાહકને વાતોમાં ભોળવી લેતા હતા. ગ્રાહક જ્યારે પોતાનો પિન નંબર એન્ટર કરે ત્યારે નજર ચોરીને પિન જોઈ લેતા અને હાથચાલાકી વાપરીને અસલી ATM કાર્ડ બદલીને બનાવટી કાર્ડ પધરાવી દેતા હતા. ત્યારબાદ સ્વાઇપ મશીન અને અન્ય ATM મશીનો દ્વારા ખાતામાંથી તમામ રકમ ઉપાડીને ફરાર થઈ જતા હતા.
ટ્રેન મારફતે અમદાવાદ આવીને આચરતા હતા ગુના
આ ગેંગ ખાસ ગુનાખોરી આચરવા માટે હરિયાણાથી ટ્રેન મારફતે અમદાવાદ આવતી હતી. આ નેટવર્કમાં અમદાવાદનો એક લોકલ શખ્સ પણ સામેલ હતો. મૂળ યુપીનો અને હાલ અમદાવાદમાં રહેતો વાજિદ શેખ બહારથી આવતા આ ગઠિયાઓને રહેવા માટે રૂમ અને ફરવા માટે બાઈકની સુવિધા આપતો હતો. છેતરપિંડી કર્યા બાદ આરોપીઓ તુરંત જ હરિયાણા ભાગી જતા હતા. નારોલ પોલીસે મુખ્ય 3 સાગરીતોની ધરપકડ કરી છે, જ્યારે જાવેદ નામનો ચોથો આરોપી હાલ ફરાર છે.
આરોપીઓ પાસેથી 146 ATM કાર્ડ અને રૂ. 3,84,000 ની રોકડ રકમ જપ્ત
નારોલ પોલીસની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુજરાત અને અન્ય રાજ્યોના મળીને કુલ 146 ATM કાર્ડ, 2 સ્વાઇપ મશીન, 3 મોબાઈલ ફોન, રૂ. 3,84,000 ની રોકડ રકમ અને 1 બાઇક મળીને કુલ રૂ. 3,94,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ પકડાતા અમદાવાદના મણિનગર, નારોલ, વેજલપુર (2 ગુના), ઈસનપુર, ગાયકવાડ હવેલી, સાબરમતી અને નવસારીના ચીખલી સહિત કુલ 8 ગુનાઓ અને હરિયાણાનો 1 ગુનો ઉકેલાયો છે.

મજૂરી કામની આડમાં ચલાવતા હતા હાઇટેક ઠગાઈ
સામાન્ય દેખાતા અને મજૂરી કામ કરતા આ શખ્સો હકીકતમાં હાઇટેક ઠગ નીકળ્યા છે. પકડાયેલા આરોપી યોગરાજ જાટવ હરિયાણામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે અને તેની સામે દિલ્હીમાં પણ 1 ગુનો નોંધાયેલો છે. બીજો આરોપી આસિફ મેવ કડિયા કામ કરે છે અને તેની સામે યુપીના કાસના પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે. જ્યારે વાજિદ શેખ ફેબ્રિકેશનનું કામ કરતો હતો અને લોકલ સપોર્ટર તરીકે મદદ કરતો હતો.
ATMમાં પિન નાખતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- ATM મશીનમાં પિન નાખતી વખતે કીપેડને બીજા હાથથી ઢાંકીને જ પિન એન્ટર કરો.
- ATM સેન્ટરની અંદર કોઈ પણ અજાણી વ્યક્તિની મદદ લેવાનું ટાળો.
- તમારું કાર્ડ મશીનમાં પ્રોસેસ થતી વખતે કોઈને પણ હાથ અડાડવા દેશો નહીં.
- ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ તમારું મૂળ કાર્ડ જ તમારી પાસે છે કે નહીં તેની ચકાસણી કરી લો.
આ પણ વાંચો - Ahmedabad News: સાબરમતી કિનારે આકાર લેશે ભવ્ય 'ટેમ્પલ ટુરિઝમ સર્કિટ', 115.02 કરોડના ખર્ચે બનશે હેરિટેજ કોરિડોર