calendar_todayMay 4, 2026
Ahmedabad News: 'વેકેશનમાં તાલીમ મંજૂર નથી', વસ્તી ગણતરીની કામગીરીમાંથી BLOને મુક્ત કરવા શિક્ષક સંઘનું વિરમગામ મામલતદારને આવેદન
આગામી વસ્તી ગણતરી 2026-27ની કામગીરીને લઈને વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોને બી.એલ.ઓ. (BLO) તરીકેની ફરજમાંથી મુક્ત કરવા અને વેકેશન દરમિયાન તાલીમ ન રાખવા બાબતે સંઘ દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષકોની મુખ્ય માગણીઓ
વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની તાલીમોનું આયોજન ઉનાળુ વેકેશન દરમિયાન ન કરવું જોઈએ. આ ઉપરાંત, વસ્તી ગણતરીમાં સંમતિ આપેલ શિક્ષકોના ઓર્ડર બદલી આપવા અને નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શાળાઓમાં બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે 50 ટકા મહેકમ જળવાઈ રહે તે મુજબ જ ઓર્ડર કરવાની માગ કરવામાં આવી છે.

શિક્ષણ કાર્ય પર અસરની ભીતિ
શિક્ષકોનું કહેવું છે કે, જો મોટી સંખ્યામાં શિક્ષકો વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાશે, તો શાળાના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી શકે છે. આથી, વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી ઉગ્ર માગ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad News: પાલડી ડ્રગ્સ કેસમાં કોર્ટનો આકરો નિર્ણય, બે આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને લાખોનો દંડ