calendar_todayJanuary 16, 2026
Ahmedabad News: BMC ચૂંટણીમાં જીત, ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કરાઈ ઉજવણી
મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રતિષ્ઠાનો જંગ મનાતી મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીમાં NDA ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજયના પડઘા છેક ગુજરાત સુધી સંભળાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મળેલી આ ઐતિહાસિક સફળતાને વધાવવા માટે અમદાવાદના ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
ફટાકડા ફોડી વિજયને વધાવ્યો
અમદાવાદ શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ખાનપુર કાર્યાલય ખાતે એકઠા થયા હતા. વિજયના ઉત્સાહમાં કાર્યકરોએ ભારે આતશબાજી કરી હતી અને ગગનભેદી નારા લગાવ્યા હતા. ભાજપના હોદ્દેદારોએ એકબીજાને ગુલાલ લગાવી અને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. આ ઉજવણીમાં સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્યો અને AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના પદાધિકારીઓ પણ હોંશે હોંશે જોડાયા હતા.
સમગ્ર ગુજરાતમાં જશ્નનો માહોલ
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' સહિત રાજ્યના તમામ મહાનગરોમાં પણ ભાજપ દ્વારા આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે, BMCમાં NDAનો વિજય એ આગામી સમયના રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. ભાજપના નેતાઓએ આ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAની નીતિઓ પર જનતાનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો હતો.