calendar_todayMarch 29, 2026
Ahmedabad News : CAGના અહેવાલમાં ગુજરાત પોલીસની ગંભીર ગેરરીતિ, 509 કેસોમાં 2.51 કરોડ ઓછા વસૂલ્યા
ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા આ અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગુજરાતનું જાહેર દેવું અને બજાર લોન સહિતની વિગતો આ અહેવાલમાં સામે આવી હતી. ત્યારે હવે પોલીસ વિભાગમાં કેટલાક જિલ્લામાં બેદરકારી હોવાનું કેગના અહેવાલમાં બહાર આવ્યું છે. પોલીસ વિભાગે 590 કેસોમાં ભૂલ કરીને 2.51 કરોડ રૂપિયા ઓછા વસૂલ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે 1.89 કરોડ ઓછા વસૂલ્યા છે. આવી જ ભૂલો મહેસાણા, ગાંધીનગર અને ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું કેગના અહેવાલમાં બહાર આવ્યું છે.
એસ્કોર્ટ સર્વિસના બિલિંગમાં ગંભીર ગરબડ
ગુજરાત પોલીસ ખાનગી એકમો અને વ્યક્તિઓ માટે બંદોબસ્તમાં એસ્કોર્ટ સેવા પૂરી પાડે છે. જેની સામે કંપની અથવા વ્યક્તિ દ્વારા પોલીસને નિયત ચાર્જ ચૂકવવામાં આવતો હોય છે. આ ચાર્જના બિલિંગમાં બંદોબસ્ત અને એસ્કોર્ટ સર્વિસના બિલિંગમાં ગંભીર ગરબડ સામે આવી છે. કેગના અહેવાલ પ્રમાણે પોલીસે બંદોબસ્ત મેળવનાર વ્યક્તિ અથવા કંપની પાસેથી ડબલ દરે ચાર્જ વસૂલવાનો હોય છે પણ અનેક કેસોમાં સિંગલ દરે ચાર્જ લેવામાં આવતા સરકારને મોટું નુકસાન થયું છે. આ ગેરરીતિમાં સૌથી મોટો કિસ્સો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીમાં સામે આવ્યો છે. જ્યાં 302 કેસોમાં નિયમોની અવગણના થઈ છે. જેના કારણે 1.89 કરોડ રૂપિયા ઓછા જમા થયા છે.
કેટલાક કેસોમાં વસૂલાતની પ્રક્રિયા શરૂ કરાઈ
બિલ બનાવનારે ડબલ ચાર્જ વસૂલવાના બદલે સિંગલ ચાર્જ વસૂલ્યો હોવાથી ઓછી રકમ જમા થઈ હોવાનું રિપોર્ટમાં દર્શાવાયું છે. માત્ર અમદાવાદ જ નહીં ભરૂચ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ લાખો રૂપિયા ઓછા વસૂલાયા છે. જેમાં ભરૂચ જિલ્લામાં 41.48 લાખ, મહેસાણા જિલ્લામાં 15.39 લાખ જ્યારે ગાંધીનગર જીલ્લામાં પણ 28 કેસોમા 2.18 લાખ રૂપિયા ઓછા વસૂલાયા છે. અમદાવાદ શહેર પોલીસે પણ પગાર ભથ્થા ઓછા દરે એટલે કે સિંગલ દર મુજબ લેતા 18 કેસમાં 2.30 લાખ ઓછા વસૂલાયા છે. આ ઉપરાંત HRAની ખોટી ગણતરી, નિયમોનું યોગ્ય પાલન ન થવું અને દેખરેખમાં મોટી બેદરકારી જેવી ગંભીર ક્ષતિઓ પણ સામે આવી છે. હાલમાં કેટલાક કેસોમાં વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ઘણા કેસોમાં કાર્યવાહી બાકી છે.