android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: કોઈપણ માઈક સિસ્ટમનો અવાજ ધાર્મિક પરિસરની બહાર ના જવો જોઈએ, મોટા વોલ્યુમથી DJ નહીં વગાડી શકાય

calendar_todayMarch 9, 2026

Ahmedabad News: કોઈપણ માઈક સિસ્ટમનો અવાજ ધાર્મિક પરિસરની બહાર ના જવો જોઈએ, મોટા વોલ્યુમથી DJ નહીં વગાડી શકાય

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધાર્મિક પરિસરમાં માઈક સિસ્ટમનો અવાજ ધીમે રાખવો અને ડીજે તો નહીં જ વગાડી શકાય તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે શહેરમાં ડીજે અને માઈક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. જાહેરનામા પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે કેટલાક ડેસિબલ માપ સુધી માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. જાહેરમાં વરઘોડા કે રેલી કાઢવામાં આવે ત્યારે નક્કી કરેલી અવાજની માત્રા પ્રમાણે માઈક સિસ્ટમ અને ડીજે વગાડી શકાશે. પોલીસના જાહેરનામાનો ભંગ કરાશે તો માઈક સિસ્ટમ અને ડીજે જપ્ત કરી ગુનો નોંધવામાં આવશે.

અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં માઈક સિસ્ટમનો અવાજ માત્ર સંકુલ સુધી સિમિત રાખવો પડશે. જો માઈક સિસ્ટમનો ઉપયોગ રહેવાસી અને રાહદારીને અડચણરૂપ અથવા તો ભય ઉભો થાય તેવી સ્થિતિમાં હશે તો તેના ઉપયોગ કરવા પર પોલીસ મનાઈ ફરમાવી શકશે. શહેરમાં રાતના 10થી સવારે 6.00 વાગ્યા સુધી માઈક સિસ્ટમ વગાડવા માટે પોલીસની મંજૂરી આપવામાં આવશે નહીં.

રાત્રે 10 વાગ્યા સુધી માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે

શહેરમાં સવારે 6.00 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી માઈક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે શહેરમા હોસ્પિટલ, સ્કૂલો અને કોર્ટની 100મીની આસપાસ કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રહણાંક, પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યામાં માઈક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. પોલીસ દ્વારા આપવામાં આવેલી મંજૂરીમાં નક્કી કરવામાં આવેલા અવાજના ડેસીબલ મુજબ માઈક સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. જો આ જાહેરનામાનો ભંગ કરાશે તો પોલીસ દંડનીય કાર્યવાહી કરશે.

આ પણ વાંચોઃ Vadodara: કરોડોનો મિલકત વેરો બાકી હોવાથી મકરપુરા એસ.ટી. ડેપો સીલ, પાલિકાએ મુખ્ય ઓફિસને મારી દીધા તાળા