android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : તિરુપતિ લાડુ ઘી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, સુકૃતિ ફૂડ્સના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ...

calendar_todaySeptember 22, 2026

Ahmedabad News : તિરુપતિ લાડુ ઘી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, સુકૃતિ ફૂડ્સના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ...

તિરુપતિ વેંકટેશ્વર મંદિર (TTD)ના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમમાં ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવાના બહુચર્ચિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ PMLA (મની લોન્ડરિંગ) એક્ટ હેઠળ સુકૃતિ ફૂડ્સના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ કરી છે. ગત 17 સપ્ટેમ્બરે અટકાયત કર્યા બાદ આરોપીને વિશાખાપટ્ટનમની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડી (જ્યુડિશિયલ કસ્ટડી) હેઠળ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ અન્ય આરોપી વિપિન જૈનની પણ ધરપકડ થઈ ચૂકી છે.

રૂ.230 કરોડનો ઘી સપ્લાય અને રૂ.96 કરોડનું ભેળસેળવાળું નકલી ઘી

તપાસ એજન્સી EDના ચોંકાવનારા દાવો મુજબ, વર્ષ 2019થી 2024 દરમિયાન તિરુપતિ દેવસ્થાનમને કરવામાં આવેલા કુલ રૂ.230 કરોડના ઘી સપ્લાય કોન્ટ્રાક્ટની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન આશરે રૂ.96 કરોડનું ભેળસેળવાળું અત્યંત હલકી કક્ષાનું નકલી ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. પવિત્ર પ્રસાદ બનાવવા માટે અસલી ગાયના ઘીના નામે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે અમાનવીય અને ધાર્મિક છળકપટ કરવામાં આવ્યું હોવાના સંગીન આક્ષેપો તપાસમાં ખુલ્લા પડ્યા છે.

પામ ઓઈલ અને કેમિકલથી બનતું હતું નકલી ઘી, TTDને કરાતું સપ્લાય

EDની તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, આરોપીઓ દ્વારા શુદ્ધ ગાયના ઘીના સ્થાને પામ ઓઈલ અને વિવિધ જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ નકલી કેમિકલયુક્ત ઘીને તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ને શુદ્ધ અને અસલી ગાયનું ઘી દર્શાવીને સપ્લાય કરવામાં આવતું હતું. કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે રમત રમનારા આ કૌભાંડમાં મની લોન્ડરિંગના રૂટ અને ગેરકાયદેસર કમાણીના નાણાં ક્યાં રોકવામાં આવ્યા તે અંગે ED હવે આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : Sabarkantha Accident Case : 12 પદયાત્રીઓને ફંગોળનાર દારૂડિયો કાર ચાલક ભરત પટેલ જેલના સળિયા પાછળ...