calendar_todayMarch 24, 2026
Ahmedabad News : ભારત સરકારના FSSIએ આપેલી ગ્રાન્ટમાંથી AMCએ 619.61 લાખ વાપર્યા જ નહી
કેન્દ્રના FSSAI તરફથી મળેલી 765 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી AMC પબ્લિક હેલ્થ લેબોરેટરી (PHL)એ 619.61 લાખ વાપર્યા જ નથી. વર્ષ 2022-23માં 684.40 લાખ, વર્ષ 2023-24માં 80.60 લાખની ગ્રાન્ટ મળી હતી. AMCએ શહેરીજનોના હિતમાં નવા ફૂડ ટેસ્ટિંગ સાધનો નહીં વસાવી ગંભીર બેદરકારી દાખવી હોવાનું RTI માં પુરાવાર થયું છે.
ફુડ સેમ્પલોના વિવિધ ટેસ્ટીંગ થતાં જ નથી
કેન્દ્ર સરકારના FSSAI તરફથી AMC પબ્લિક હેલ્થ લેબોરેટરી (PHL)ને વર્ષ 2022-23માં મળેલા 684.40 લાખની ગ્રાન્ટમાંથી ફકત 114.79 લાખ ખર્ચ કરાયો છે,569.61 લાખ ખર્ચ જ કર્યો નથી. આવી જ રીતે વર્ષ 2023-24માં પણ 80.60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ ફકત 30.60 લાખ જ ખર્ચ AMC ફુડ હેલ્થ લેબોરેટરીએ કર્યો છે. જેના લીધે હાલ ફુડ સેમ્પલોના વિવિધ ટેસ્ટીંગ થતાં જ નથી.
હજી પણ અખાદ્ય ખોરાક ખાવા લોકો મજબૂર
સાધનો વસાવ્યા હોત તો પેસ્ટીસાઈડ, હેવી મેટલ્સના ટેસ્ટીંગ અમદાવાદની લેબોરેટરીમાં કરી શક્યા હોત. જે નહીં કરાતા શહેરીજનોને આવા ભેળસેળયુક્ત ખોરાક ખાવાની ફરજ પડે છે, કેમેકે ટેસ્ટીંગ વધુ થઇ શક્તા નથી. તેવો આક્ષેપ કરતાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ચેરમેને કહ્યું કે, AMC ફુડ વિભાગની કામગીરી નબળી પુરવાર થઈ છે, ફુડ ટેસ્ટીંગના સાધનો વસાવવામાં નહીં આવતાં હજી પણ અખાદ્ય ખોરાક ખાવા લોકો મજબૂર છે.