calendar_todayJanuary 11, 2026
Ahmedabad News: ગેરકાયદે પેથોલોજી લેબનો રાફડો, GAPM કોન્ફરન્સમાં ચોંકાવનારો દાવો
અમદાવાદ શહેરમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓના નામે ગંભીર ખેલ ખેલાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં હાલમાં ચાલી રહેલી GAPM 2026 ની કોન્ફરન્સમાં ચેરમેન દ્વારા એક વિસ્ફોટક નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં હજારો ગેરકાયદે પેથોલોજી લેબોરેટરીઓ ધમધમી રહી છે.
એકની સામે 10 ગેરકાયદે પ્રેક્ટિસ
કોન્ફરન્સ દરમિયાન ચેરમેને દાવો કર્યો હતો કે, એક પ્રમાણિત પેથોલોજીસ્ટની સામે 10 જેટલા ગેરકાયદેસર વ્યક્તિઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ, માત્ર અમદાવાદમાં 3,000 અને સમગ્ર ગુજરાતમાં અંદાજે 12,000 જેટલી ગેરકાયદે પેથોલોજી લેબ કાર્યરત છે. આ લેબોરેટરીઓ પાસે જરૂરી ડિગ્રી કે માન્યતા ન હોવા છતાં તેઓ દર્દીઓના રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, જે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ
ચેરમેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ0 કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં રાજ્યનું આરોગ્ય વિભાગ આ બાબતે નિષ્ક્રિય જણાય છે. અત્યાર સુધી આવી લેબ્સ કે બોગસ પેથોલોજીસ્ટ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ 'ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટ' નો તાત્કાલિક અને કડક અમલ કરવાની માંગ કરવામાં આવી છે જેથી સામાન્ય જનતાના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.
AI અને અદ્યતન ટેકનોલોજી પર ભાર
આ કોન્ફરન્સમાં માત્ર સમસ્યાઓ જ નહીં પરંતુ ભવિષ્યના સમાધાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશ-વિદેશના નિષ્ણાતોએ પેથોલોજી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા સચોટ નિદાન કેવી રીતે થઈ શકે તે અંગે માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી ગેરકાયદે લેબ્સ પર લગામ નહીં લાગે ત્યાં સુધી ટેકનોલોજીનો સાચો લાભ દર્દીઓ સુધી પહોંચશે નહીં.