calendar_todayMarch 14, 2026
Ahmedabad News : PGVCLની બેદરકારીની ગુજરાત હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ, લટકતા વાયરોથી મોત થાય તો વીજ કંપની જવાબદાર
જો જીવતા ખુલ્લા વાયરો લટકતી હાલતમાં હોય અને તેના સંપર્કમાં આવવાથી કોઈનું મોત નીપજે તો તેવા સંજોગોમાં તે વ્યક્તિની બેદરકારી હોવાનો દાવો વીજ કંપની કરી શકે નહીં, તેમ હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે. જસ્ટિસ જે. સી. દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ખુલ્લા જીવતા વાયરોના સંપર્કમાં આવેલા એક યુવકના મૃત્યુના કેસમાં વીજ કંપની તરફથી યુવકની બેદરકારી હોવાનો રજૂ કરાયેલો બચાવ ધરાર ફગાવ્યો હતો અને મૃતક યુવકના માતા-પિતાને ૯ ટકા વ્યાજ સાથે રૂ.૩.૩૮ લાખથી વધુનું વળતર ચૂકવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો.
ખુલ્લા લટકતા વાયરોના સંપર્કથી ઘણા લોકોના મોત થયા છે
ભુજના ભરાસર ગામના તળાવના રસ્તેથી પસાર થતી વખતે અબ્દુલ હાસમ નામનો યુવક પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ઓછી ઊંચાઈ પર ખુલ્લા લટકતા વાયરોના સંપર્કમાં આવ્યો તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે પરિવારમાં એકમાત્ર કમાઉ દીકરો હતો. મૃતકના માતા-પિતા દ્વારા પીજીવીસીએલ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવી માટે દાવો કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે યુવકના માતા-પિતાને ૯ ટકા વ્યાજ સાથે રૂ.૩,૩૮,૦૦૦ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલ ફગાવી હતી કોર્ટે
આ હુકમથી નારાજ થઈ વીજ કંપનીએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી ઉલટાનું મૃતક યુવક પર બેદરકારી અને કાળજી નહીં રાખી હોવાનો દોષનો ટોપલો ઢોળ્યો હતો, જો કે, જસ્ટિસ જે. સી. દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનો બચાવ ધરાર ફગાવી તેની અપીલ પણ કાઢી નાખી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એમ. સી. મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા, પીજીવીસીએલ વિરુદ્ધ ચંદ્રિકાબેન હરપાલસિંહના વારસદારો સહિતના ચુકાદાઓ ટાંક્યા હતા અને તેના આધાર પર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલ ફગાવી હતી.