android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: SG હાઈવેનો થશે કાયાકલ્પ, સનાથલથી ગાંધીનગર સુધી 30 કિમીનું 'પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ' થશે

calendar_todayFebruary 5, 2026

Ahmedabad News: SG હાઈવેનો થશે કાયાકલ્પ, સનાથલથી ગાંધીનગર સુધી 30 કિમીનું 'પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ' થશે

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે (SG Highway) ને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાથલથી ગાંધીનગર સુધીના અંદાજે 30 કિલોમીટર લાંબા માર્ગનું હવે 'પ્રિસિંકટ ડેવલપમેન્ટ' કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર મુખ્ય માર્ગ જ નહીં, પરંતુ સર્વિસ રોડને પણ આધુનિક રીતે ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરીમાં થઈ રહેલા વિલંબને જોતા AMC એ સખત વલણ અપનાવ્યું છે.

AMCએ નવી એજન્સીને કામ સોંપ્યું

અગાઉ આ કામ પારેખ એસોસિએટ્સને સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમની કામગીરી અત્યંત ધીમી હોવાથી તંત્ર દ્વારા અનેક નોટિસ ફટકારવામાં આવી હતી. અંતે, જૂની એજન્સી પાસેથી કામ આંચકી લઈને હવે યુ.એન. મહેતા ફાઉન્ડેશનને આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. AMC એ 1 કિલોમીટરના મોડેલ ડેવલપમેન્ટના સફળ નિરીક્ષણ બાદ સમગ્ર 30 કિમીના રોડને ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે. સનાથલ સર્કલથી લઈને છેક ગાંધીનગર સુધીનો પટ્ટો આવરી લેવાશે.

યુએન મહેતા ફાઉન્ડેશનને કામ મળ્યું

રસ્તાની બંને બાજુએ સર્વિસ રોડ, ફૂટપાથ, લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ ફર્નિચર અને ટ્રાફિક મેનેજમેન્ટની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવું અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને પ્રીમિયમ અનુભવ પૂરો પાડવો. નવી એજન્સીને કામ સોંપાતા હવે એસ.જી. હાઈવેની કાયાપલટ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા સેવાઈ રહી છે. આ ડેવલપમેન્ટ બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સ્મૂધ અને સુંદર બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો