android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadના વસ્ત્રાલમાં ONGCની પાઈપલાઈનમાં લીકેજ, રસ્તા પર ક્રૂડ ઓઈલની નદી વહી

calendar_todayApril 12, 2026

Ahmedabadના વસ્ત્રાલમાં ONGCની પાઈપલાઈનમાં લીકેજ, રસ્તા પર ક્રૂડ ઓઈલની નદી વહી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે અચાનક ONGCની પાઈપલાઈનમાં લીકેજ થવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં આવેલા RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પની પાછળના ભાગેથી પસાર થતી પાઈપલાઈન લીક થતા તેમાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ બહાર નીકળવા લાગ્યું હતું. રહેણાંક વિસ્તારની નજીક જ ઓઈલની નદીઓ વહેતી થતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ક્રૂડ ઓઈલ ફેલાતા આગનો ભય

પાઈપલાઈનમાંથી પ્રેશર સાથે ક્રૂડ ઓઈલ નીકળવાના કારણે આસપાસના ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર ઓઈલ ફરી વળ્યું છે. ક્રૂડ ઓઈલ અત્યંત જ્વલનશીલ હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે આગ ન લાગે તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા, જેમને સુરક્ષિત અંતરે ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગ અને ONGCની ટીમ દ્વારા સમારકામ શરૂ

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયો છે. ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ઓઈલ ફેલાયેલા વિસ્તારમાં ફોમ બેરિયર બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, ONGCના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને પાછળથી સપ્લાય બંધ કરી લાઈનનું લીકેજ બંધ કરવા માટે સમારકામ શરૂ કરી દીધું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લીકેજ કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો