calendar_todayFebruary 19, 2026
Ahmedabadમાં PG સીલ થતા 'મધરાતે' સંગ્રામ: સેંકડો યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 50થી વધુ PG એકમોને અચાનક સીલ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારના PGમાં જ્યારે યુવક-યુવતીઓ રાત્રે નોકરી કે અભ્યાસ પૂરો કરીને પાછા ફર્યા, ત્યારે દરવાજા પર સીલ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાનો સામાન અંદર હોવા છતાં અને રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આશરે 100 થી 150 લોકોનું ટોળું રોષે ભરાયું હતું.
AMC દ્વારા PGનું સીલિંગ થતા રોષ
PG સંચાલકો અને રહેવાસીઓએ સાથે મળીને પ્રેમચંદનગરથી બોડકદેવ AMC કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. "તંત્રની આ કેવી નીતિ?" આ સવાલો સાથે તેઓએ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહી સામે લડત આપવા માટે પીજીમાં રહેતા યુવાનોએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ન કરે અથવા સીલ ન ખોલે, ત્યાં સુધી તેઓ બોડકદેવ AMC કચેરીમાં જ રાત્રિ રોકાણ કરશે.
બોડકદેવ કોર્પોરેશન કચેરીએ ઉગ્ર દેખાવો કર્યો
PG સંચાલકોએ પણ આ આંદોલનમાં જોડાઈને કચેરીમાં જ રોકાવાનું એલાન કર્યું છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવું જોઈએ, પરંતુ અચાનક સીલ મારી દેવાથી યુવતીઓ અને વિદ્યાર્થીઓ રસ્તે રઝળતા થયા છે. રાત્રિના સમયે કન્યાઓને સુરક્ષિત રહેવા માટે કોઈ જગા ન હોવાથી તંત્રની માનવતા સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. હાલમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો