android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નો હંગામો; VC એ આપી સત્તાવાર સફાઈ

calendar_todaySeptember 7, 2026

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નો હંગામો; VC એ આપી સત્તાવાર સફાઈ

રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણમાં ગેરરીતિ અને પીએચડી (PhD) એડમિશન પ્રક્રિયાને લઈને વાતાવરણ ગરમાયું છે. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યોજીને તંત્ર સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નું વિરોધ

ABVP નો દાવો છે કે આજે PhD એડમિશન માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હોવા છતાં, એડમિશન પોર્ટલ પર ક્લાઇમેટ ચેન્જ સહિતના મહત્વના વિષયો દર્શાવવામાં જ આવ્યા નથી. સંબંધિત વિભાગોમાં કાયમી શૈક્ષણિક કર્મચારીઓ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, જેનાથી અનેક લાયક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું છે. વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ (VC) એ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કુલપતિએ સ્પષ્ટ કર્યું હતું કે યુનિવર્સિટી તંત્ર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નિયમોને આધીન રહીને જ કામગીરી કરી રહ્યું છે.

UGC નિયમો મુજબ પ્રોફેસર વગર પ્રવેશ શક્ય નથી; VC

UGC ના નિયમો અનુસાર, PhD ના વિદ્યાર્થીઓને ગાઇડ કરવા માટે કાયમી પ્રોફેસરો હોવા આવશ્યક છે. જે વિષયોમાં કાયમી પ્રોફેસર ઉપલબ્ધ નથી ત્યાં ગાઇડ વિના પ્રવેશ આપવો નિયમવિરુદ્ધ ગણાય.યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરોની કાયમી ભરતી કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી અને માંગણી કરવામાં આવી છે. નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અથવા યોગ્ય વ્યવસ્થા ઊભી થયા પછી વધુ વિદ્યાર્થીઓને PhD માં પ્રવેશ આપવાની તક પૂરી પાડવામાં આવશે. યુનિવર્સિટી નિયમોની મર્યાદામાં રહીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે.