android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad RPFની કાર્યવાહી, મજૂરો સાથે છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા

calendar_todayMarch 10, 2026

Ahmedabad RPFની કાર્યવાહી, મજૂરો સાથે છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા

અમદાવાદમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે મોટી કાર્યવાહી કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર મજૂર વર્ગના લોકોને નિશાન બનાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

 ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતાં મજૂર વર્ગના મુસાફરોને ટાર્ગેટ કરતા

માહિતી મુજબ આરોપીઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતાં મજૂર વર્ગના મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. તેઓ મુસાફરોને કહેતા કે રેલવેમાં રોકડ રૂપિયા લઈ જવા માટે ખાસ કાર્ડ બનાવવું ફરજિયાત છે. આ બહાને તેઓ મુસાફરોને પોતાની જાળમાં ફસાવતા અને તેમની પાસેથી રૂપિયા વસૂલતા હતા.

ખોટી રીતે કાર્ડ બનાવી આપવાની વાતો કરીને વિશ્વાસમાં લેતા

આરોપીઓના અન્ય સાગરીતો મુસાફરોને ખોટી રીતે કાર્ડ બનાવી આપવાની વાતો કરીને વિશ્વાસમાં લેતા હતા. બાદમાં કાર્ડ બનાવવા માટે પૈસા લઈ લેતા અને પછી ગાયબ થઈ જતા હતા. આ રીતે ગરીબ અને અજાણ મજૂર વર્ગના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

વિવિધ રેલવે સ્ટેશનો પર પણ આ ગેંગ સક્રિય

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના ચાર સભ્યો મળીને દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારની છેતરપિંડી કરતા હતા. ખાસ કરીને ગુજરાત ઉપરાંત દિલ્હી, હૈદરાબાદ અને આંધ્રપ્રદેશના વિવિધ રેલવે સ્ટેશનો પર પણ આ ગેંગ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.

વધુ તપાસ શરુ

પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે તેમના અન્ય સાગરીતોની શોધખોળ કરી રહી છે.


આ પણ વાંચો----      Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા