android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad School Attack: શિક્ષણ મંત્રી એક્શન મોડમાં! DEO પાસે માંગ્યો રિપોર્ટ

calendar_todayJanuary 19, 2026

Ahmedabad School Attack: શિક્ષણ મંત્રી એક્શન મોડમાં! DEO પાસે માંગ્યો રિપોર્ટ

અમદાવાદ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વધી રહેલી અસામાજિક તત્વોની દાદાગીરી અને હિંસક ઘટનાઓએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થી પર થયેલા હિંસક હુમલાની ઘટનાની રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.

શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાની કડક કાર્યવાહી

ઘાટલોડિયાની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ મામલે સક્રિયતા દાખવી છે. તેમણે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી અને રિપોર્ટ માંગ્યો છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

ઘાટલોડિયામાં ભયનો માહોલ

નેશનલ સ્કૂલની બહાર ધોળા દિવસે વિદ્યાર્થી પર થયેલા હુમલાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. અગાઉ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બહાર પણ આવી જ ઘટના બની હતી, ત્યારબાદ આ બીજી ઘટના સામે આવતા શહેરની સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. DEO દ્વારા હવે તપાસ કરવામાં આવશે કે આ હુમલો કયા કારણોસર થયો અને તેમાં કયા તત્વો સામેલ છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા

શિક્ષણ વિભાગ દ્વારા DEOને એવી પણ સૂચના આપવામાં આવી છે કે, શાળાઓની આસપાસ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્થાનિક પોલીસ સાથે સંકલન કરવામાં આવે. શિક્ષણ મંત્રીએ આ બાબતે કડક વલણ અપનાવતા આગામી દિવસોમાં જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે.


આ પણ વાંચો - Ahmedabad: ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર યુવકોએ વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો