android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahwa : વઘઈ-આહવા માર્ગ પર કાર નદીમાં ખાબકતા બે અધિકારીઓનાં મોત

calendar_todayOctober 10, 2026

Ahwa : વઘઈ-આહવા માર્ગ પર કાર નદીમાં ખાબકતા બે અધિકારીઓનાં મોત

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વઘઈ-આહવા રાજ્ય ધોરીમાર્ગના ઢાઢરા ફાટક નજીકના તીવ્ર વળાંક પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરથી બ્રેઝા કાર (નં. જીજે-18-ઇએ-5480)માં સવાર થઈને ચાર મિત્રો દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં મિત્રોને મળવા માટે આવી રહ્યા હતા. બાદમાં ડાંગના વઘઇ ગોળ સર્કલ પાસે આવી ત્રણ-ત્રણ મિત્રો વહેંચાઈ જઈ અલગ અલગ ફોર વ્હીલ ગાડીમાં બેસી આહવા તરફ નીકળ્યા હતા. આ બ્રેઝા કારમાં અગાઉ સુબિર ખાતે નાયબ મામલતદાર તરીકે અને હાલમાં નર્મદા કલ્પસર વિભાગ ખાતેના ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ લક્ષ્મણભાઈ ડામોર, આણંદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સોનુભાઈ સોમજીભાઈ બારીયા, ડાંગના ગલકુંડ ખાતે MPHWતરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર ઉર્ફે સિદ્ધાર્થ ગરાસિયા સવાર હતા. જેઓ વઘઈ-આહવા રોડ પરથી પસાર થતી વખતે મળસ્કે આશરે સાડા ચાર વાગ્યે વાહનચાલક સંદીપભાઈ ડામોરે અચાનક ગાડીના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને કારણે કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને રસ્તા પરની સેફ્ટી એંગલ-રેલિંગ તોડીને સીધી ઊંડા ખાપરી નદીના પાણીમાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર સંદીપભાઈ ડામોર અને શૈલેષભાઈ ગરાસિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટના બાદ ઈજાગ્રસ્ત સોનુભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગેની જાણ થતાં જ વઘઈ પોલીસ સ્ટેશનનો તાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. વઘઇ પોલીસ મથકના પી.આઈ. એ.એ. ચાવડાની ટીમે મૃતકોના દેહનો કબજો મેળવી પંચનામું હાથ ધર્યું છે અને અકસ્માતના આ સમગ્ર ગુના અંગે આગળની કાનૂની તપાસ શરૂ કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો