android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Air India : ફૂકેટ-દિલ્હી ફ્લાઇટમાં ભયાનક ટર્બ્યુલન્સ મામલે પાયલટ બરતરફ, નશીલા પદાર્થોના સેવનની પુષ્ટિનો દાવો

calendar_todaySeptember 4, 2026

Air India : ફૂકેટ-દિલ્હી ફ્લાઇટમાં ભયાનક ટર્બ્યુલન્સ મામલે પાયલટ બરતરફ, નશીલા પદાર્થોના સેવનની પુષ્ટિનો દાવો

ફૂકેટથી નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગત મહિને સર્જાયેલી ગંભીર ટર્બ્યુલન્સ ઘટનામાં એર ઇન્ડિયાએ મોટી કાર્યવાહી કરી છે. 4 ઓગસ્ટની ફૂકેટ-દિલ્હી એર ઇન્ડિયા ફ્લાઇટ AI 2379ના પાયલટ-ઇન-કમાન્ડને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અચાનક વિમાનની ઊંચાઈમાં ફેરફાર થતાં 20 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો સહિત કુલ 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

AAIBની પ્રાથમિક રિપોર્ટમાં ગંભીર ખુલાસો

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર મુખ્ય પાયલટની પ્રાથમિક તપાસ અને લોહીના નમૂનાની લેબોરેટરી તપાસમાં નશીલા પદાર્થોના સેવનની પુષ્ટિ થઈ હોવાનું જણાવાયું છે. આ મામલે AAIBએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે.

ત્રણ હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ ગઈ

AAIBની પ્રાથમિક તપાસમાં ફ્લાઇટ AI 2379માં તે દિવસે ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી પહેલા ગ્રીન હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ બ્લૂ અને યેલો હાઇડ્રોલિક સિસ્ટમ પણ ફેલ થઈ ગઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ થતાં વિમાનનો ઓટોપાયલટ આપમેળે બંધ થઈ ગયો હતો. ત્યારબાદ કો-પાયલટે વિમાનને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

કો-પાયલટ પાસેથી નિયંત્રણ લીધું

રિપોર્ટ મુજબ કો-પાયલટ વિમાનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મુખ્ય પાયલટે વચ્ચે જ વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું. આ દરમિયાન વિમાન પહેલા 372 ફૂટ ઉપર ગયું હતું અને ત્યારબાદ અચાનક 292 ફૂટ નીચે આવ્યું હતું. વિમાનના અચાનક ઊંચાઈ ફેરફારને કારણે મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈજાઓ પહોંચી હતી. ફ્લાઇટના કેબિનમાં પણ ભારે નુકસાન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

કેબિનમાં ભારે નુકસાન

AAIBની તપાસમાં વિમાનના કેબિનની અનેક વસ્તુઓને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અનેક સીટોના હેન્ડરેસ્ટ, ઉપર સામાન રાખવાના કેબિન, શૌચાલયના ભાગો અને કેબિનની છતને નુકસાન થયું હતું. ઘટના સમયે વિમાનમાં કુલ 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો હાજર હતા. મુસાફરોમાં 3 શિશુઓનો પણ સમાવેશ થતો હતો.

24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા

આ ઘટનામાં 20 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો સહિત કુલ 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હી એરપોર્ટ પર વિમાન ઉતર્યા બાદ તમામ ઈજાગ્રસ્તોને તબીબી મદદ આપવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાંથી 20 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 4 લોકોને ગંભીર ઈજાઓના કારણે વધુ સમય સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

તપાસ હજુ ચાલુ

એર ઇન્ડિયાએ પાયલટ-ઇન-કમાન્ડ સામે કાર્યવાહી કરીને તેને નોકરીમાંથી બરતરફ કર્યો છે. જોકે, AAIB દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હજુ પણ ચાલુ હોવાનું જણાવાયું છે. ટેક્નિકલ ખામી, પાયલટની કામગીરી અને અન્ય પરિબળોની તપાસ પૂર્ણ થયા બાદ વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.   


આ પણ વાંચો    :     Janmashtami 2026 Live : કૃષ્ણ ભક્તિમાં રંગાયું ગુજરાત, મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ