calendar_todayMay 2, 2026
Ambaji : પાનસા માર્ગ પર લૂંટારુ ગેંગનો આતંક, શ્રદ્ધાળુઓની 3 કાર પર પથ્થરમારો
શક્તિપીઠ અંબાજી દર્શન કરવા જતાં યાત્રિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. લૂંટના ઇરાદે યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છે. અમદાવાદના શ્રદ્ધાળુઓની ત્રણ કારને નિશાન બનાવી અસામાજિક તત્વોએ પાનસા માર્ગ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
અસામાજિક તત્વો ગાડીઓ રોકવા માટે પથ્થરો ફેંકે છે
ભોગ બનનાર અમદાવાદના શ્રદ્ધાળુ સમીર શાહે આ ઘટનાનો વીડિયો વાયરલ કરીને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અગાઉ ફાગણ સુદ ચૌદસના દિવસે પણ આ જ પ્રકારે પથ્થરમારાની ઘટના બની હતી, તેમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પાનસા માર્ગ પર અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ગાડીઓ રોકવા માટે પથ્થરો ફેંકે છે, જેથી યાત્રિકો ઉભા રહે અને તેમને લૂંટી શકાય.
ગાડીઓના કાચ તૂટી ગયા હતા
સમીર શાહે વધુમાં જણાવ્યું હતું કે, પથ્થરમારાને કારણે ગાડીઓના કાચ તૂટી ગયા હતા અને પરિવારના સભ્યોના જીવ જોખમમાં મુકાયા હતા. શ્રદ્ધાળુઓની સુરક્ષામાં પોલીસની નીતિ અત્યંત ઢીલી હોવાનું દેખાઈ રહ્યું છે. વારંવાર બનતી આ ઘટનાઓને કારણે યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓ હવે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે કે પોલીસ આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારે અને પથ્થરમારો કરનાર લૂંટારુ ટોળકીને તુરંત જેલના સળિયા પાછળ ધકેલે.
આ પણ વાંચો---- Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી