calendar_todayJanuary 9, 2026
Amreliમાં રેલવે ટ્રેક પર અડિંગો જમાવી બેઠેલા વનરાજાનો થયો આબાદ બચાવ, ટ્રેનને 1 કલાક થંભાવી દેવાઈ
ગીરની સરહદે આવેલા અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી અને ટ્રેન વચ્ચેના અકસ્માતો અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ ગત રાત્રે રાજુલા પંથકમાં વન વિભાગ અને રેલવે તંત્રની સમયસૂચકતાને કારણે એક સિંહનો જીવ બચી ગયો હતો. ગુડ્સ ટ્રેન નીચે સિંહ કચડાય તે પહેલા જ ટ્રેનને રોકી દઈ વનરાજાને સુરક્ષિત રીતે ખસેડાયા હતા.
સાવરકુંડલામાં ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન 1 કલાક ઉભી રખાવી
પીપાવાવ પોર્ટથી સાવરકુંડલા તરફ જતી રેલવે લાઈન પર રાજુલાના વાવેરા ગામ નજીક રાત્રિના સમયે એક સિંહ અચાનક ટ્રેક પર આવી ચઢ્યો હતો. સિંહ ટ્રેક પર જ બેસી જતાં માલગાડી (ગુડ્સ ટ્રેન) ના પાયલોટે દૂરથી સિંહને જોઈ લીધો હતો અને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન ઉભી રાખી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સિંહ ટ્રેક છોડવા તૈયાર ન હોવાથી વનકર્મીઓ ભારે ચિંતામાં મુકાયા હતા.
રેલવેના ટ્રેક ઉપર સિંહ રાતે બેસી જતા દોડધામ મચી
આશરે એક કલાક સુધી ટ્રેન ઉભી રખાવી વન વિભાગે મહામુસીબતે સિંહને ટ્રેક પરથી દૂર ખસેડ્યો હતો. સિંહ સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના થયા બાદ જ ટ્રેનને આગળ વધવા દેવામાં આવી હતી. રેલવેના પાયલોટ અને વનકર્મીઓની આ સાવચેતીની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. જો પાયલોટે સમયસર ટ્રેન ન રોકી હોત તો અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનું અકસ્માતે મોત નિપજ્યું હોત.