android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli: ધાતરવડી-2 બાદ હવે ધાતરવડી-1 ડેમ પણ સંપૂર્ણ ઓવરફ્લો, રાજુલા શહેરને એલર્ટ રહેવા સૂચના

calendar_todayJuly 5, 2026

Amreli: ધાતરવડી-2 બાદ હવે ધાતરવડી-1 ડેમ પણ સંપૂર્ણ ઓવરફ્લો, રાજુલા શહેરને એલર્ટ રહેવા સૂચના

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ચોમાસાની સીઝનનો સૌથી ભયજનક તબક્કો જોવા મળી રહ્યો છે. રાજુલા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે તાલુકાના જળાશયોમાં પાણીની સપાટી કટોકટીપૂર્ણ સ્તરે પહોંચી ગઈ છે. થોડા દિવસો પહેલા જ ધાતરવડી-૨ ડેમ ઓવરફ્લો થયો હતો, ત્યારે હવે ધાતરવડી-1 ડેમ પણ તેની મહત્તમ સપાટી વટાવીને સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જતાં સ્થાનિક પ્રશાસનની ચિંતામાં મોટો વધારો થયો છે.

ગામડાઓમાં પૂરનું સંકટ, તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ

ધાતરવડી-1 ડેમ છલકાવાના કારણે નદીના નીચાણવાળા ભાગમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હોનારતની સ્થિતિને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા માંડરડી, નવી માંડરડી અને જૂની ઝાંપોદર ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતો દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને માલ-ઢોરને સલામત સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

રાજુલા શહેરના નીચાણવાળા વિસ્તારો સાવધ

માત્ર ગ્રામ્ય જ નહિ, પણ ધાતરવડી નદીના કિનારે વસેલા રાજુલા શહેરને પણ સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા એલર્ટ રહેવા કડક આદેશ અપાયા છે. નદી કિનારાની ઝૂંપડપટ્ટીઓ અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવાની શક્યતાને પગલે ફાયર બ્રિગેડ અને રેસ્કયૂ ટીમોને સાબદા કરી દેવાયા છે. મામલતદાર કચેરી દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્ક રાખીને ડેમમાંથી વહી રહેલા પાણીના ક્યુસેક જથ્થા પર રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Bhavnagar: પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે, પ્રવિણ કોળીની મોટી જાહેરાત