android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

calendar_todaySeptember 9, 2026

Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામે રહીને ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરપ્રાંતિય પરિવારના 5 વર્ષના માસૂમ પુત્રનું બાઈક પર આવેલ લલિત નામના શખ્સે અપહરણ કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આરોપી બાળકના પિતા સાથે અગાઉથી ઓળખાણ ધરાવતો હોવાથી તેનો ગેરલાભ ઉઠાવી બાળકને બાઇક પર બેસાડીને ચાલતી પકડી ગયો હતો.

અમરેલીમાં 5 વર્ષના બાળકના અપહરણનો કેસ

બાળકના ગાયબ થવાની જાણ થતાં જ અમરેલી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સૌથી મોટો પડકાર એ હતો કે અપહરણકાર લલિત કોઈ મોબાઈલ ફોન વાપરતો ન હતો. જેથી તેને ટેકનિકલ લોકેશનથી ટ્રેસ કરવો શક્ય ન હતો. આ સંજોગોમાં પોલીસે માત્ર આરોપીના બાઈક નંબરને આધાર બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાળકની સુરક્ષા અને ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી પોલીસની ટીમોએ અમરેલી 'નેત્રમ' (CCTV સર્વેલન્સ) તેમજ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ 'નેત્રમ'ની મદદ લીધી હતી. પોલીસે સતત 15 કલાક સુધી રસ્તા પરના અંદાજે 170 જેટલા સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે ચકાસ્યા હતા. સીસીટીવી કમાન્ડ સેન્ટરની મદદથી બાઈકના મુવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી હતી.

પોલીસે આરોપી લલિતને દબોચી લીધો

અંતે સીસીટીવી ટ્રેકિંગના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુર નજીકથી આરોપી લલિતને દબોચી લીધો હતો. તેના કબજામાંથી ૫ વર્ષના માસૂમ બાળકને હેમખેમ મુક્ત કરાવી તુરંત પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમરેલી પોલીસની આ અદ્ભુત અને ત્વરિત કામગીરીને પગલે પીડિત પરિવારે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત