calendar_todayApril 18, 2026
Amreli News: ધારીના ગોપાલગ્રામ નજીક સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા અકસ્માત, 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.
20 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો પણ વિદ્યાર્થીઓની વ્હારે દોડી આવ્યા હતા. મોટી જાનહાનિ ટળતા વાલીઓ અને શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ચૂંટણી પ્રચાર છોડીને ભાજપ-કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ દોડ્યા
રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ અકસ્માતની જાણ થતા જ માનવતાના દર્શન થયા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ જનપ્રતિનિધિઓ પોતાના ચૂંટણી પ્રચારના કાર્યક્રમો પડતા મૂકીને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. નેતાઓએ વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા, અને તેમને જરૂરી તમામ તબીબી સહાય મળે તે માટે વ્યવસ્થા કરાવી હતી.
આ પણ વાંચો - Gujarat Weather: ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા